Gandhinagar,તા.૪
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. કમલમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટીલે જાહેર મંચ પરથી સહકારી ક્ષેત્રની ચૂંટણીને લઈને કડક સંદેશ આપ્યો હતો. રાજકીય સૂત્રો મુજબ, પાટીલના શબ્દો સૌરાષ્ટ્રના પ્રભાવશાળી સહકારી ચહેરા જયેશ રાદડિયાને ધ્યાને રાખીને કહેવાયા હોવાની ચર્ચા તેજ થઈ છે.
સી.આર. પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ચૂંટણી રાજકીય હોય કે સહકારી ક્ષેત્રની – ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ જ અંતિમ રહેશે. પાર્ટીના નિયમોનો ભંગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.” તેમણે ચેતવણી આપી હતી કે, સહકારી ક્ષેત્રમાં નેતાઓ મનમાની નહીં કરે અને પાર્ટીની શિસ્તનું પાલન અવશ્ય કરવું પડશે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, ભાજપે ફક્ત રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. તેમણે જણાવ્યું કે, “અમે સહકારી ક્ષેત્રની અંદર ૩૫૦ જેટલી ચૂંટણી લડી હતી, જેમાંથી ૩૪૯ જીત મેળવી હતી. ત્યાર બાદ મેન્ડેટ પ્રથા લાગુ પડી અને કેટલાકને એ ન ગમી.” તેમણે આક્ષેપ કર્યો કે વિરોધી પક્ષો તથા સહકારી ક્ષેત્રમાં ગોઠવાઈ ગયેલા કેટલાક લોકોએ એ પ્રથા સામે અપપ્રચાર કર્યો છે. પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, અને શિસ્તમાં કોઈ સમાધાન શક્ય નથી.
પાટીલના આ નિવેદનને ભાજપની અંદર “એક મજબૂત સંદેશ” તરીકે જોવામાં આવી રહ્યો છે કે સહકારી ક્ષેત્રની અંદરની કોઈ પણ જાતની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં. જાહેર મંચ પરથી સી.આર. પાટીલે કોઈનું નામ લીધા વિના જ તીખી ટિપ્પણી કરી હતી, પરંતુ રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આ નિવેદન સીધા સૌરાષ્ટ્રના નેતા જયેશ રાદડિયાને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું. કારણ કે રાદડિયા સહકારી ક્ષેત્રના મોટા નેતા તરીકે ઓળખાય છે અને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને તેઓ ચૂંટણી લડ્યા હતા.
હાલ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ તરીકે પદ સંભાળ્યા પછી ભાજપમાં નવી શિસ્ત અને સંગઠનની એકતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સી.આર. પાટીલે પદ છોડતી વેળાએ પણ આ જ સંદેશ આપ્યો છે કે, ભાજપની અંદર કોઈ વ્યક્તિ પાર્ટીના નિયમો કરતાં ઉપર નથી. આ સંકેત આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અને મંત્રિમંડળ વિસ્તરણના સમયે મહત્વનો બની શકે છે.
ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલા પદગ્રહણ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા. જોકે, હાર્દિક પટેલને મંચની પહેલી હરોળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. તેઓ ભારે ભીડ વચ્ચે ફસાઈ ગયા હતા. ત્યારે રાજકીય વિશ્લેષકો આ ઘટનાને પ્રતીકાત્મક રીતે જોતા કહે છે કે હાર્દિક પટેલ ધારાસભ્ય તો બની ગયા છે, પરંતુ ભાજપની પહેલી હરોળમાં પોતાની જગ્યા બનાવવા માટે તેમને હજુ વધુ મહેનત અને સમય લાગશે.