New Delhi,તા.18
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ ગઠબંધને સીપી રાધાકૃષ્ણનની પસંદગી કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ અંગે માહિતી આપી હતી. સીપી રાધાકૃષ્ણન હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. બીજી બાજુ I.N.D.I.A ગઠબંધને હજી સુધી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ આ અંગે જણાવ્યું છે કે, અમે વિપક્ષ સાથે વાત કરીને તેમનું સમર્થન મેળવીશું. જેથી આ પદ માટે અવરોધો વિના ચૂંટણી થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા હતાં. આવો જાણીએ, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ તથા I.N.D.I.A ગઠબંધનમાંથી કોનું પલડું ભારે છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી પરિણામ પણ તે જ દિવસે જાહેર થશે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન આપે છે. વર્તમાન સ્થિતિમાં સંખ્યા બળમાં એનડીએ ગઠબંધનનું પલડું ભારે છે. જો કે, બંને સંસદ ગૃહની સંયુક્ત ક્ષમતા પર નજર કરીએ તો એનડીએ ગઠબંધનમાં 786 બેઠક છે. જેમાંથી છ બેઠક હાલ ખાલી છે. એક લોકસભામાં (બશીરહાટ, પશ્ચિમ બંગાળ) અને પાંચ રાજ્ય સભા, જેમાં ચાર જમ્મુ-કાશ્મીર અને એક પંજાબમાં બેઠક છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારે જીતવા માટે ઓછામાં ઓછા 349 મતની બહુમતિની જરૂર પડશે. જેમાં એનડીએ સારી સ્થિતિમાં છે. એનડીએ પાસે લોકસભામાં 542માંથી 293 સભ્યો છે. જ્યારે રાજ્યસભામાં 129 સાંસદ છે. વધુમાં નામાંકિત સભ્યોનું સમર્થન પણ સામેલ છે. આ સ્થિતિમાં એનડીએ ગઠબંધનની પાસે કુલ 422 મત છે. જે બહુમત કરતાં વધુ છે. બંધારણની અનુચ્છેદ 68 (2) હેઠળ ત્યાગપત્ર, મૃત્યુ, પદ પરથી દૂર થવા સહિતના અન્ય કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદની ખાલી પડેલી જગ્યાને તુરંત ભરવામાં આવે છે.