New Delhi,તા.5
રાજકોટ-ગુજરાત સહિત દેશભરમાં ફૂટપાથ પર દબાણનો સળગતો મુદ્દો છે અને સરકાર તેને અટકાવી શકતી નથી જયારે હવે સર્વોચ્ચ અદાલતે ફૂટપાથનાં અધિકાર મામલે ચાર સપ્તાહમાં ગાઈડલાઈન તૈયાર કરવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.
સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ જે.બી.પારડીવાલાનાં નેતૃત્વ હેઠળની બેંચે પગપાળા જવા માટેની ફૂટપાથનો અધિકાર અનુચ્છેદ 21 હેઠળ સુરક્ષીત છે. ચાર સપ્તાહમાં સરકાર દિશા નિર્દેશ તૈયાર નહિં કરે તો ખૂદ અદાલત વકીલોની મદદથી ગાઈડલાઈન તૈયાર કરશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે નાગરીકોનાં ઉપયોગ માટે યોગ્ય ફૂટપાથ જરૂરી છે. દિવ્યાંગો માટે પણ સાનુકુળ હોવી જોઈએ. તેના પર દબાણ ન ચાલે. આ મામલામાં સીનીયર વકીલ ગૌરવ અગ્રવાલને એમિકસ કયુરી (કોર્ટ સલાહકાર) બનાવવામાં આવ્યા હતા.
એમીસ કયુરીએ અદાલતને એમ કહ્યું કે ફુટપાથ વિશે સરકારની કોઈ ગાઈડલાઈન જ નથી સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ સભ્ય મનોહર તત્રેના વડપણ હેઠળ માર્ગ સુરક્ષા માટે સમિતિનું ગઠન થયુ છે. ફૂટપાથ વિશે સરકારની ગાઈડલાઈન બને તો તેનો પણ સમાવેશ કરી શકાય.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નાગરીક માટે ફૂટપાથ મહત્વની છે. છ માસમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા બોર્ડનું ગઠન કરવામાં આવે. હવે આમાં કોઈ સમય વધારો આપવામાં નહીં આવે તે પણ સ્પષ્ટ કર્યુ હતું. પગપાળા જતાં નાગરીકો માટે ફૂટપાથ અનિવાર્ય છે અને તેમનો મૂળભૂત અધિકાર છે. પગપાળા જતા લોકોની સુરક્ષા માટે પણ અનિવાર્ય છે.