New Delhi તા.22
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના ગઈકાલે ઓચિંતા આવેલા રાજીનામાએ અચાનક જ દિલ્હીનું રાજકીય વાતાવરણ ગરમ કરી દીધુ છે. એક તરફ નવા ઉપરાષ્ટ્રપતિની ચુંટણી હવે સંસદના વર્તમાન સત્ર દરમ્યાન જ યોજાશે તે નિશ્ચિત બની ગયું છે.
તો બીજી તરફ એવી કઈ હેલ્થ ઈમરજન્સી હતી તે શ્રી ધનખડે પોતાનું રાજીનામુ રાતોરાત આપવું પડયું અને તેની પાછળ ફકત સ્વાસ્થ્ય નહી અનેક કારણો ચર્ચામાં આવ્યા છે. તેઓએ જો સ્વાસ્થ્યના કારણોસર રાજીનામુ આપવુ હોત તો સંસદના સત્રના પ્રારંભ પુર્વે જ તેઓ તે કરી શકયા હોત અને ખાસ કરીને સરકાર માટે જે સંકોચભરી સ્થિતિ બની છે તે ટાળી શકયા હોત.
ગઈકાલે જ તેઓએ રાજયસભામાં વારંવાર જે ધમાલ અને રાજકીય અથડામણના દ્રશ્યો સર્જાય છે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસ એવો દાવો કરે છે કે, બપોરે 1 વાગ્યાથી લઈ સાંજના 4.30 વચ્ચે એવું કંઈક બની ગયું કે જેના કારણે ધનખડને રાજીનામુ આપવાની જરૂર પડી અથવા ફરજ પડી હતી.
આ માટે અનેક કારણોની ચર્ચામાં ખાસ કરીને હવે નવા રાષ્ટ્રપતિની ચુંટણી ફરજીયાત બની છે અને તેમાં એકટીંગ પ્રેસીડેન્ટ જેવી કોઈ જોગવાઈ નથી તે સમયે પાટનગરમાં ચર્ચાએ જોર પકડયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરાષ્ટ્રપતિના રાજીનામા પાછળ એક ફોનકોલ જ જવાબદાર ગણવામાં આવે છે અને તે ભાજપની જ કેન્દ્રીય નેતાગીરી તરફથી આવ્યો હતો અને તેમાં ખાસ કરીને દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટીસ યશવંત વર્માની સામેની મહાભિયોગ દરખાસ્તમાં વિપક્ષો પ્રેરીત જે નોટીસ આપવામાં આવી હતી તે કારણ બની ગઈ છે.
આ નોટીસ ધનખડે સ્વીકારી અને રાજયસભાના સેક્રેટરી જનરલને તેના પર જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. માનવામાં આવે છે કે, ભાજપના નેતૃત્વને તે પસંદ આવ્યુ ન હતું. ખાસ કરીને વિપક્ષ પ્રેરિત નોટીસ ઉપરાષ્ટ્રપતિએ સ્વીકારી જેના કારણે ભાજપના હાથમાંથી ન્યાયમૂર્તિ અને ન્યાયતંત્રના હાથમાંથી ભ્રષ્ટાચાર સામે જે લડાઈ હતી તે શસ્ત્ર છીનવાઈ ગયુ હોય તેવું ભાજપ મોવડીમંડળે માન્યુ હતું.
તે મુદે શ્રી ધનખડને એક ફોનકોલ પણ આવ્યો હતો અને તેમાં બંને વચ્ચે દલીલો પણ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિએ પોતાને જે સતા મળી છે તેના આધારે આ નોટીસ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપનો એક મોટો વર્ગ જગદીપ ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવાની વિચારણા શરુ કરી હતી. હજુ છ માસ પુર્વે જ વિપક્ષોએ જગદીપ ધનખડ સામે આ પ્રકારની દરખાસ્ત લાવી હતી. પરંતુ ધનખડ પાસે ભાજપની ચાલની ગંધ આવી જતા જ તેઓએ તુર્ત જ રાજીનામુ આપી દેવાનું પસંદ કર્યુ હોય તેવું મનાય છે.
આ ઘટનાક્રમમાં રાત્રે 9.25 મીનીટે ઉપરાષ્ટ્રપતિએ પોતાના સતાવાર એકસ હેન્ડલ પર પોતાના રાજીનામા પત્ર જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાઠવ્યો હતો તે પોષ્ટ કરીને જબરો ધમાકો મચાવી દીધો. તેઓએ આરોગ્યનું કારણ આપ્યું અને બંધારણની કલમ-67(1) હેઠળ પોતે રાજીનામુ આપી રહ્યા છે તે સ્પષ્ટ કર્યુ તેથી રાષ્ટ્રપતિ પાસે પણ તે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો અને તેમનું રાજીનામુ સ્વીકારાઈ પણ ગયું છે.
આમ જગદીપ ધનખડ કે જેઓ પ્રારંભથી જ દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ધનંજય વર્માના નિવાસે લાગેલી આગ અને તેમાં જે રીતે જંગી રોકડ રકમ અર્ધબળેલી હાલતમાં મળી તે મુદે આક્રમક હતા અને તેઓએ એ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શા માટે તેમાં એફઆઈઆર નોંધાતી નથી.
આમ કહીને તેણે સુપ્રીમકોર્ટ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા અને પોતે છેલ્લી ઘડીએ વિપક્ષની નોટીસ સ્વીકારી લેતા ભાજપના હાથમાંથી તક ચાલી ગઈ તેવુ દ્રશ્ય સર્જાતા જ તેઓએ નારાજ મોવડીમંડળે તેમને રાજીનામુ આપવાની ફરજ પાડી હોય તેવું માનવામાં આવે છે.