New Delhi,તા.05
ભારત સાથેના વ્યાપારમાં 25% ટેરીફ તથા ખાસ કરીને રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા બદલ ખાસ પેનલ્ટીની અમેરિકાની ધમકીનો પ્રથમ આકરો જવાબ આપતા ભારતે અમેરિકી વલણ ભેદભાવભર્યા હોવાનો સ્પષ્ટ આરોપ મુકતા ટ્રમ્પ તંત્રને જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપ પણ રશિયા સાથે વ્યાપાર કરે છે તેની સામે ભારતને આ રીતે રશિયા સાથેના વ્યાપાર બદલ પેનલ્ટી એ સ્વીકાર્ય નથી.
ભારતે પેનલ્ટીની ચિંતા કર્યા વગર જ અમેરિકા યુરોપીયન સંઘના વલણને દંભી ગણાવ્યા હતા અને સ્પષ્ટ કહ્યુ હતું કે, રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનો નિર્ણયનો વિરોધ એ અયોગ્ય અને અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયે ટ્રમ્પ શાસનને અરીસો દેખાડતા કહ્યું કે, યુરોપીયન યુનીયન એ 2024માં રશિયા સાથે 69.7 બીલીયન યુરોનો વ્યાપાર કર્યા છે.
2023માં તે 17.2 બીલીયન યુરોનો હતો જે ભારતના રશિયા સાથેના વ્યાપાર કરતા અનેક ગણો વધુ છે. યુરોપીયન યુનિયન 2024માં રશિયા પાસેથી 16.05 મિલિયન ટન એલએનજી મેળવ્યુ હતું અને 2022માં તે 15.21 મીલીયન ટનની આયાત કરી હતી.
ઉપરાંત અમેરિકા પણ રશિયા સાથે વ્યાપાર કરે છે. રશિયા પાસેથી તે યુરેનિયમ હેકસાફલોરાઈડ આયાત કરે છે જે અમેરિકાના અણુ કાર્યક્રમ, તેના ઈલેકટ્રીક વાહનોના ક્ષેત્ર ખાતર-રસાયણ માટે મેળવે છે. ભારતે કોની સાથે વ્યાપાર કરવો તે તેનો સાર્વભોમત્વ અધિકાર હોવાનું ભારતે સ્પષ્ટ જણાવ્યુ હતું.
ભારતે મકકમતાથી જવાબ આપતા કહ્યું કે હવે આ જ અમેરિકા અને યુરોપીયન સંઘ બંને સસ્તા ઓઇલનો એકબાજુએ લાભ પણ લે છે અને બીજી બાજુએ ભારતને આ જ સસ્તુ ઓઇલ આયાત કરવા માટે પ્રોત્સાહન આપ્યા પછી હવે ભારતને રશિયા પાસેથી ઓઇલ આયાત કરવાની બંધ કરે છે.
જ્યારે ભારત આ આયાત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે. તેથી હવે જો અમેરિકા અને યુરોપીયન સંઘ ભારત પર રશિયા પાસેથી ઓઇલની આયાતના મુદ્દે ટેરિફ નાખશે તો તેનું નુકસાન ફક્ત ભારતને નહીં તેમને પણ થશે. તેની સાથે વૈશ્વિક એનર્જી સિક્યોરિટી પણ ભયમાં મૂકાશે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા બે સપ્તાહથી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. આજે ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા ભારત પર ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરશે.
નોંધનીય છે કે અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ ધમકી આપતા કહ્યું છે, કે ’ભારત રશિયાથી મોટા પ્રમાણમાં ઓઇલ તો ખરીદે જ છે પણ પછી તેમાંથી મોટો હિસ્સો ખુલ્લા બજારમાં વેચી નફો પણ કમાય છે.
રશિયાની યુદ્ધ મશીનમાં યુક્રેનના કેટલા લોકો મરી રહ્યા છે તેની ભારતને કોઈ ચિંતા નથી. તેથી હું ભારત પર લગાવવામાં આવતા ટેરિફમાં ભારેખમ વૃદ્ધિ કરીશ.’