Ahmedabad, તા.13
હાલમાં જ સર્વોચ્ચ અદાલતે શેરીઓમાં રખડતા કુતરા મુદે એક મહત્વપૂર્ણ ચુકાદો આપીને આ પ્રકારના કુતરાઓને શેલ્ટર હોમમાં રાખવા અને માર્ગો પર ન આવે તે જોવા સૂચના આપી છે તે વચ્ચે અમદાવાદમાં એક યુગલ વચ્ચે શેરીઓમાં રખડતા કુતરા મુદે સર્જાયેલા વિવાદમાં પતિએ હવે છુટાછેડાની માંગણી કરી છે.
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં તેણે જણાવ્યું છે કે તેની પત્ની શેરીઓના કુતરાઓને ઘરમાં લાવે છે અને તેને ઘરમાં જ નવરાવી ધોવડાવીને સ્વચ્છ કરે છે એટલું જ નહી તે તેના બેડરૂમ સુધી પહોંચી જાય છે ત્યારે તેણે તેનો વિરોધ કર્યો તો રેડીયો જોકીને બોલાવીને લગ્ન બાદના સંબંધો અંગે તેના પર ટીખ્ખળ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે તેની જાહેર પ્રતિષ્ઠાને પણ હાની થઈ હતી.
2006માં તેના લગ્ન થયા ત્યારથી જ તેની પત્ની આ પ્રકારે રખડતા કુતરાઓને ઘરમાં લાવીને તેની સંભાળ લે છે. વાસ્તવમાં પાડોશીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો અને 2008માં ફરિયાદ નોંધાવી હતી તો તેની પત્ની એનીમલ રાઈટ ગ્રુપમાં જોડાઈને પાડોશીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહી તેની પત્ની જે રીતે તેની સાથે વર્તે છે તેથી તેની જાતીય શક્તિ પણ ગુમાવી દીધી છે તેટલા તનાવમાં તે રહે છે.
પતિએ એ પણ જણાવ્યું કે 1 એપ્રિલ 2007ના તેની પત્નીએ રેડીયો જોકીની મારફત તેના કહેવાતા લગ્ન બહારના સંબંધો અંગે પણ વાતો ઉડાડી હતી જે તેના માટે અપમાનજનક બન્યુ અને તે બેંગ્લોર ચાલ્યો ગયો હતો.
2007માં તેણે છુટાછેડાની ફરિયાદ નોંધાવી પરંતુ પત્નીએ એવુ કહીને દલીલ કરી કે તે પ્રાણી પ્રેમ ધરાવતી હોવાથી તેના પતિ વિરોધ કરે છે અને તે મને મુકીને ચાલ્યો ગયો છે. તેણે અદાલતમાં કુતરાઓની સાથેના તેના ફોટા રજુ કરીને કહ્યું કે તે તેની સંભાળ લઈ રહી છે.
જો કે ફેમીલી કોર્ટે છુટાછેડાની અરજી નકારતા હવે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી છે તે રૂા.15 લાખની ભરણપોષણની રકમ ચુકવવા તૈયાર છે. પરંતુ પત્નીએ રૂા.2 કરોડ માંગ્યા છે. હવે આ અંગે તા.1 ડિસેમ્બરે સુનાવણી થશે.

