New Delhi,તા.10
ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનાં પગરણ શરૂ થવા સાથે જ કડકડતી ઠંડીનું એલર્ટ જાહેર થયું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ, છતીસગઢ તથા ઝારખંડ માટે કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે.
આ સિવાય દ.આફ્રિકા, હરીયાણા, ઉતર પશ્ચિમ ભારત અને ઉતરીય મધ્ય મહારાષ્ટ્રમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી કરી છે. દ.ભારતમાં ભારે વરસાદ તથા ઉતરાખંડ-હિમાચલમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે દેશના અનેક ભાગોમાં ગુલાબી ઠંડી છે. હાડ થિજાવતી ઠંડીનું સ્વરૂપ પકડવા લાગી છે. દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો એકાએક નીચે આવી ગયો હતો. આવતા 2-3 દિવસમાં તાપમાનમાં હજુ 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
ઉતરાખંડ તથા હિમાચલ પ્રદેશનાં લાહૌલ સ્પિતિ મનાલી, ચમોલી, નૈનિતાલ, મસુરી તથા રૂદ્રપ્રયાગમાં હિમવર્ષા સાથે શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે.પાટનગર દિલ્હીમાં પણ કડકડતી ઠંડી પડવા સાથે તાપમાન 12 ડીગ્રીએ આવી જવાની શકયતા છે. સાથોસાથ ઘુમ્મસની ચેતવણી આપવામાં આવી છે.
ઉતરપ્રદેશ તથા બિહાર જેવા રાજયોમાં પણ ઠંડી વધી રહી છે. ઘુમ્મસની શકયતા વ્યકત કરવામાં આવી છે.

