New Delhi,તા.5
હાલમાં ભારતમાં મળતાં પેટ્રોલમાં 10થી 20 ટકા ઇથેનોલ મિક્સ થઇ રહ્યું છે. પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવે તો ઘણા ફાયદા સીધાં જોવા મળે છે.
તેલની આયાત ઘટશે, જેના કારણે સરકારી ખજાના પરનું ભારણ ઘટશે. પર્યાવરણ માટે પેટ્રોલ કરતાં ઇથેનોલ પણ વધુ સારું છે. આ સાથે ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત પણ મળી રહ્યો છે. તો પછી તેનાં વિશે આટલા બધાં સવાલો કેમ ઉભાં થઈ રહ્યાં છે.
વાસ્તવમાં પેટ્રોલના વપરાશકાર એટલે કે કાર અને બાઈક ચલાવતાં સામાન્ય માણસને તેનાથી અનેક પ્રકારનાં નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી કારમાં 20 ટકા ઇથેનોલ પેટ્રોલ (E20) માટે ફેરફાર અને જરૂરી વ્યવસ્થા ન હોય, તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, B20 પ્રોવિઝન વિનાનાં વાહનોમાં એટલે કે 2023 પહેલાંના વાહનોમાં B20ના ઉપયોગથી તેમનાં એન્જિનમાં કાટ લાગી શકે છે. રબરનાં પ્લાસ્ટિકનાં ભાગો ઘસાઈ શકે છે અને માઇલેજ પણ ઘટી શકે છે.
કેટલાક કિસ્સામાં તો એન્જિન ફેલ થવાનું જોખમ પણ રહે છે. જો કે ઓટોમોબાઇલ એક્સપર્ટ અને વી3કાર્સના ફાઉન્ડર જગદેવ કલસીના જણાવ્યાં અનુસાર આવી સમસ્યાઓ તાત્કાલિક નહીં આવે, પરંતુ લાંબા સમય સુધી B20નો ઉપયોગ કર્યા બાદ જ તે સામે આવી શકે છે. પરંતુ માઇલેજ પરની અસર તરત જ જોવા મળશે અને તેમાં ઘટાડો થશે.
જે વાહન વધુ પડતું ચાલે છે તેમાં ઝડપથી વધુને વધુ અસર જોવા મળી શકે છે, પરંતુ ઓછી સ્પીડે દોડતાં વાહનોમાં બહુ તકલીફ નહીં પડે. પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની અસર અંગે મોટા પાયે અભ્યાસ થયો નથી.
ઘણા નિષ્ણાતો માને છે કે, 20 ટકા સુધી ઇથેનોલનું મિશ્રણ કરવામાં કોઈ મોટું નુકસાન નથી. આના કરતાં વધુ વોલ્યુમ વધારવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કંપનીઓએ મેન્યુફેકચરિંગ દરમિયાન ઘણાં ફેરફાર કરવા પડશે.
વોરંટી કિંમત પર પણ પ્રશ્નો ઉભાં થયાં
ઘણી કંપનીઓનાં વાહનોનાં યુઝર મેન્યુઅલમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ વાહન E10 એટલે કે પેટ્રોલ પર ચાલી શકે છે. જેમાં 10 ટકા સુધી ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે. પરંતુ જો આ વાહનમાં 20 ટકા ઇથેનોલ પેટ્રોલ ઉમેરવામાં આવે, તો શું વાહન પરની વોરંટી સમાપ્ત થશે?
આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઉપરાંત જો ઈથેનોલમાં મિક્સ પેટ્રોલ મિક્સ કર્યા બાદ કારની મેઈન્ટેનન્સ કોસ્ટ વધી જાય અથવા માઈલેજ ઘટે તો તેની ભરપાઈ કેવી રીતે થાય, આ પણ એક સવાલ છે. એક અન્ય પ્રશ્ન એ પણ છે કે ઇથેનોલની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી હશે, શું વપરાશકર્તાને કોઈ લાભ મળશે કે નહીં?