Mumbai,તા.04
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ક્રિકેટે ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. વુમન કેટેગરીમાં આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ દૂર થયો છે. આ સફળતા વચ્ચે પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ ચોંકાવનારી સલાહ આપી છે. તેમણે કહ્યું કે, હરમનપ્રીત કૌરના સ્થાને હવે સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપ સોંપવી જોઈએ.
રંગાસ્વામીના આ નિવેદનથી સૌ કોઈએ રોહિત શર્માનો ઈતિહાસ યાદ કર્યો છે. તેને પણ આઈસીસી ટ્રોફી જીત્યા બાદ વનડેની કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. આ વર્ષે માર્ચમાં હિટમેનની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે, આગામી વનડે ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયા મુલાકાત પર રોહિત ખેલાડી તરીકે ગયો હતો અને પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો. હરમનપ્રીત 36 વર્ષની છે, અને રોહિત શર્માને જ્યારે કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવ્યો ત્યારે તે 38 વર્ષનો હતો. તેની વધતી વયનો હવાલો આપતાં તેને કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો હતો.
મહિલા ક્રિકેટ દિગ્ગજ શાંતા રંગાસ્વામીએ સૂચન કર્યું છે કે કેપ્ટનશીપમાં ફેરફારનો સમય આવી ગયો છે. તેમનું માનવું છે કે હરમનપ્રીત કૌરે ભારતીય ક્રિકેટના ભવિષ્ય અને સુધારણાને ધ્યાનમાં રાખીને કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. આનાથી ટીમને જ ફાયદો થશે, અને તે પોતાની બેટિંગ અને ફિલ્ડિંગથી ટીમની સૌથી મૂલ્યવાન ખેલાડીઓમાંની એક રહેશે. રંગાસ્વામીએ સમાચાર એજન્સીને કહ્યું, આ પહેલા થવું જોઈતું હતું કારણ કે હરમન બેટ્સમેન અને ફિલ્ડર તરીકે ઉત્તમ છે, પરંતુ વ્યૂહાત્મક રીતે તે ક્યારેક ડગમગી શકે છે. મને લાગે છે કે તે કેપ્ટનશીપના બોજ વિના વધુ સારૂ યોગદાન આપી શકે છે. આ નિર્ણય ભારતીય ક્રિકેટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવો જોઈએ. આગામી ODI વર્લ્ડ કપ 2029માં છે, અને T20 વર્લ્ડ કપ આવતા વર્ષે બ્રિટનમાં રમાશે.
મહાન ભૂતપૂર્વ ક્રિકેટરે સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાને કેપ્ટનશીપ સોંપવાની હિમાયત કરી છે, અને તેને તમામ ફોર્મેટમાં કેપ્ટનશીપ માટે શ્રેષ્ઠ દાવેદાર ગણાવી છે. રંગસ્વામીએ સ્વીકાર્યું કે આટલી મોટી સફળતા પછી કેપ્ટનશીપમાં ફેરફારને ધ્યાનમાં લેવાય નહીં, પરંતુ તે ભારતીય ક્રિકેટના હિતમાં હશે. જુઓ, આટલી મોટી સફળતા (વર્લ્ડ કપ જીત) પછી, આ ભલામણને સારી રીતે ધ્યાનમાં લેવી જોઈએ. તે ભારતીય ક્રિકેટ અને હરમનના પણ હિતમાં હશે. મને લાગે છે કે તે કેપ્ટનશીપના બોજ વિના પણ વધુ યોગદાન આપી શકે છે.

