Dubai, તા.16
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કડવાશ ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી જ્યારે ભારતીય ખેલાડીઓએ એશિયા કપ મેચ દરમિયાન કટ્ટર હરીફ ટીમના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા.
રવિવારે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું. ભારતીય ખેલાડીઓએ સમગ્ર મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓ પર ધ્યાન આપ્યું ન હતું અને મેચ સમાપ્ત થયા પછી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે સીધા પેવેલિયન પાછા ફર્યા.
ત્યારે હવે માહિતી મુજબ આગામી સમયમાં ભારત પાકિસ્તાનનો વિરોધ ચાલુ રાખી શકે છે, જો એશિયા કપ જીતે તો તેઓ મોહસીન ના હસ્તે ટ્રોફી નહીં સ્વીકારે. પાકિસ્તાન સાથેના વિરોધનો વંટોળ વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય એક નીતિગત નિર્ણય છે અને જો ભારત આગામી રવિવારે સુપર 4 તબક્કામાં ફરીથી પાકિસ્તાનનો સામનો કરશે તો તેનું પુનરાવર્તન થશે.
બંને ટીમો 28 સપ્ટેમ્બરના રોજ ફાઇનલમાં પણ ટકરાઈ શકે છે. ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવતા હોવાનો મુદ્દો હવે મોટો વિવાદ બની રહ્યો છે. ભારત સામે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ નારાજ છે અને તેણે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હાથ ન મિલાવવા બદલ જવાબદાર ઠેરવ્યા છે અને તેમને હટાવવાની માંગ કરી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમારે ટીમના આ વલણને સમર્થન આપ્યું હતું અને મેચ પછી વિજય.સેનાને સમર્પિત કર્યો હતો અને પહેલગામ હુમલાના પીડિતો સાથે એકતા દર્શાવી હતી.
સોમવારે અગાઉ, PCBના ચેરમેન મોહસીન નકવીએ પણ ભારતના બહિષ્કાર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેને ‘ખેલ ભાવનાનો અભાવ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ભારતે રમતમાં રાજકારણને ઘસી દીધું છે.
નકવીએ લખ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાન મેચ પછી, રમત ભાવનાનો ભારે અભાવ જોવા મળ્યો. રમતમાં રાજકારણ લાવવું રમતની ભાવનાની વિરુદ્ધ છે. આશા છે કે ભવિષ્યમાં બધી ટીમો ગૌરવ સાથે વિજયની ઉજવણી કરશે.’
PCB અહીં જ અટક્યું નહીં અને સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરીને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને ફરિયાદ કરી અને હવે ICC ના હસ્તક્ષેપની માંગ કરી છે. PCB ના વડા મોહસીન નકવી ACC ના પ્રમુખ છે, જ્યારે ICC ના પ્રમુખ ભારતના જય શાહ છે.
એશિયા કપ ICC ટુર્નામેન્ટ નથી પરંતુ ACC ટુર્નામેન્ટ છે. PCB એ અગાઉ કહ્યું હતું કે પાયક્રોફ્ટે ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાને ભારતીય કેપ્ટન સાથે હાથ ન મિલાવવા કહ્યું હતું. પાકિસ્તાની ટીમ મેનેજર નવીદ ચીમાએ ACC માં ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે પાયક્રોફ્ટના નિર્દેશ પર, બંને કેપ્ટનોએ ટીમ શીટની આપ-લે કરી નથી.