Ahmedabad તા.13
એશીયાઈ સિંહો ધરાવતા એકમાત્ર ગીર અભ્યારણ્યમાં વસતી ગણતરીની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ છે.કુલ સંખ્યા 900 ની આસપાસ હોવાનો પ્રાથમિક અંદાજ છે તેમાં મહત્વની બાબત એવી સામે આવી છે કે અભ્યારણ્ય કરતા પણ તેની બહારનાં ક્ષેત્રોમાં વધુ સિંહોનો વસવાટ છે.
ગીરના સાવજો સામ્રાજય વધારતા રહ્યા હોય તેમ અભ્યારણ્યનાં રક્ષિત વિસ્તારની બહાર પણ વસવાટ રહ્યો છે. સિંહોની કુલ સંખ્યા 900 ને આંબી ગયાનો પ્રાથમિક અંદાજ છે. જે 2020 માં 674 ની હતી.
વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે કે 2020 ની વસ્તી ગણતરીમાં સંરક્ષિત વિસ્તારમાં 380 તથા બહારનાં ક્ષેત્રોમાં 294 સિંહ માલુમ પડયા હતા પરંતુ આ વખત ચિત્ર અલગ છે. આ વખતે સંરક્ષિત અભ્યારણ્યમાં અંદાજીત 425 સિંહ છે. ગીત, મિતાયાળા, ગીરનાર, તથા પતિયા અભ્યારણ્યમાં વસવાટની પૂર્ણ ક્ષમતાએ વસતી છે. પ્રાથમીક સંકેતો મુજબ સંરક્ષીત અભ્યારણ્યની બહારનાં ક્ષેત્રોમાં 440 થી 470 સિંહોનો વસવાય છે.
વસતી ગણતરીનાં પ્રાથમિક સંકેતો અનુસાર સૌરાષ્ટ્રનાં ગ્રેટર ગીર રીજીયનમાં સિંહોની સંખ્યામાં 30 ટકાનો વધારો છે જે ઘણો મોટો ગણી શકાય. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે 2020 માં પણ અભ્યારણ્યની બહારના ક્ષેત્રોમાં સિંહોની સંખ્યામાં સારો એવો વધારો હતો.
વન વિભાગનાં સીનીયર અધિકારીએ કહ્યું કે અમરેલીનાં બાબાપુર, ચકકરગઢ તથા માંગવપાલમાં સિંહોનો વસવાટ પેટર્નમાં પણ મોટો બદલાવ છે. અત્યાર સુધી માત્ર કયારેક જ આંટો મારતા તેના બદલે હવે કાયમીરહેણાંક બનાવી લીધા છે.રાજુલા, જાફરાબાદ તથા ગીર સોમનાથમાં પણ વસવાટ છે.
અમરેલી જીલ્લામાં ઔદ્યોગીકકરણ મર્યાદિત છે એટલે સાવજોને રહેણાંક માટે સાનુકળ છે. ઉપરાંત સ્થાનિક લોકો પણ ગૌરવ ગણે છે.હવે બોટાદ ઉપરાંત સુરેન્દ્રનગરમાં અમુક ભાગ તથા અમદાવાદના ધંધુકા તરફ પણ મુવમેન્ટ જોવા મળી છે.
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાઈ સિંહોની 10 મે થી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી. આવતીકાલે 13 મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંહોના નવા આંકડાની વિધિવત જાહેરાત કરશે. સાસણ ખાતે હાઈ મોનિટરિંગ યુનિટમાં ડેટાનું વિશ્લેષણ કરાયા બાદ અંતિમ આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાહેર કરશે.
10 થી 12 મે સુધી રાજ્યના 11 જિલ્લામાં હાથ ધરાયેલી ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ મુજબ 3254 કર્મચારીઓ
સિંહની વસતી ગણતરીમાં જોડાયા હતા. મહત્ત્વની વાત છે કે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુ બેરાએ સિંહ ગણતરીની શરૂઆત કરાવી હતી. બે તબક્કામાં આયોજિત આ સિંહ ગણતરીમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા હતા.
એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો સાસણ ગીર ખાતે 10 મેથી શરૂ કરાયો હતો. ચાર દિવસમાં 11 જિલ્લાના 35 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો.
જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરના કુલ 58 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા. વસતી ગણતરી માટે 735 યુનિટ, 112 સબ ઝોન, 32 ઝોન અને 8 રિજન બનાવવામાં આવ્યા છે.