New Delhi, તા. 1
બિહાર સહિતની વિધાનસભા ચૂંટણીઓના વિજયથી મળેલા નવા આત્મવિશ્વાસ સાથે મોદી સરકાર આજથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં અનેક મહત્વના ખરડાઓ સાથે વધુ એક વખત આગળ વધવા તૈયાર છે. તા.19 ડિસેમ્બર સુધી ચાલનારી સંસદમાં 15 બેઠકો થશે. પરંતુ વિપક્ષે `સર’ના મુદે સંસદમાં સરકારને ઘેરવા તૈયારી કરી છે અને તેથી જ શિયાળુ સત્રનો પ્રારંભ જબરદસ્ત હંગામાથી થશે.
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે નેશનલ હેરલ્ડ કેસમાં જે નવી એફઆઇઆર નોંધાઇ છે તે મુદે કોંગ્રેસ સંસદમાં કામકાજ ખોરવે તેવી શકયતા છે.
બિહાર ચૂંટણીમાં બહુ ગાજેલા `સર’ના મુદે ગુજરાત સહિતના રાજયોમાં આ કવાયત શરૂ થઇ છે તેમાં બીએલઓની આત્મહત્યાનો મુદો સંસદમાં ગાજશે અને વિપક્ષોએ આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટના મુદે વધુ એક વખત સરકાર પહેલગાવ બાદ હુમલાને ખાળવામાં નિષ્ફળ રહી છે તે મુદે પણ ધમાલ મચાવશે.
આ ઉપરાંત સરકાર દ્વારા જે રીતે વિપક્ષ શાસનના રાજ્યમાં રાજયપાલોની ભૂમિકા અંગે રાષ્ટ્રપતિના રેફરન્સનો મુદો પણ ગાજી શકે છે. ગઇકાલે જ મળેલી સર્વપક્ષીય બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજજૂએ કહ્યું હતું કે અમે વિપક્ષની દરેક વાત માનવા તૈયાર છીએ પરંતુ ધાંધલ ધમાલ સ્વીકાર્ય બનશે નહીં.
સરકારે આ સત્રમાં રજુ કરવા માટે વિમા સંશોધન બીલ જેમાં વિદેશી કંપનીઓને 100 ટકા મુડી સાથે ભારતમાં પ્રવેશ આ ઉપરાંત નેશનલ હાઇવે સુધારા સહિતના 10 જેટલા ખરડાઓ રજુ કરવા તૈયારી કરી છે.
આ ઉપરાંત સંસદના આ સત્રમાં દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ધનંજય વર્મા સામે જે મહાભિયોગનો પ્રસ્તાવ છે તે મુદે પણ ચર્ચા અને નિર્ણયની શકયતા છે. આમ સરકાર અને વિપક્ષ બંને આ મુદે હથિયાર સાથે પહોંચ્યા છે.
નારેબાજી માટે પૂરો દેશ પડયો છે : વિપક્ષોને ડ્રામા નહીં ડિલીવરીની વડાપ્રધાનની સલાહ
આજથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્ર પૂર્વે વડાપ્રધાને વિપક્ષો પર આકરો પ્રહાર કરતા જણાવ્યું કે, કેટલાક પક્ષો હાર પચાવી શકતા નથી પરંતુ સંસદમાં હવે નવા સભ્યો અને યુવાઓને તક મળવી જોઇએ.
મોદીએ જણાવ્યું કે, સંસદમાં ડ્રામા નહીં ડિલીવરી મહત્વનું આપવું છે મોદીએ જણાવ્યું કે સુત્રોચ્ચાર માટે પુરો દેશ પડયો છે પરંતુ સંસદ પર દેશના લોકોની નજર હોય છે અને આપણે તે જવાબદારી નિભાવવી જોઇએ.
મોદીએ કહ્યું કે, ભારતે એ સાબિત કરી દીધુ છે કે ડેમોક્રેસીથી ડિલીવર થઇ શકે છે. આર્થિક પ્રગતિ દેશને વિકસીત ભારત ભણી લઇ જઇ રહી છે. મોદી આજે સંસદ ભવન પહોંચ્યા ત્યારે તેમની સાથે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજજૂ પણ જોડાયા હતા.

