ચોરીનો મુદ્દામાલ ખરીદ કરનાર સોની વેપારીને પણ સાણસામાં લેવાયો : રૂ.1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી બી ડિવિઝન પોલીસ
Rajkot,તા.28
શહેરમાં ચીલઝડપ કરતી સમડીના ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ચીલઝડપ કરતી બાઈક સવાર સમડી બેલડીને બી ડીવીઝન પોલીસે પકડી પાડી છે. દારૂ-જુગારની કુટેવ પોશવા ચિલઝડપ કરતા બેલડીની સાથોસાથ ઘરેણાંનો ઢાળિયો બનાવનાર મહિલા અને ચોરીનો મુદ્દામાલ ખરીદ કરનાર સોની વેપારીને પણ પોલીસે સાણસામાં લીધો છે. ચારેયની ધરપકડ કરી બાઇક અને ૨૪.૮૫ ગ્રામ સોનાનો ઢાળીયો કબજે કરાયો છે.
સામાકાંઠા વિસ્તારમાં ગત તા.૧૭ના રોજ વિજયાબેન ચંદુભાઈ દેસાઈ પૂત્રવધુ સાથે વોકીંગમાં નીકળ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખસે રૂ. 1.60 લાખની કિંમતનો આશરે ૨૫ ગ્રામનો સોનાનો ચેઇન વિજયાબેનના ગળામાં ઝોંટ મારીને આંચકીને નાશી છૂટયા હતા. ચીલઝડપ સંદર્ભે બી-ડીવીઝન પોલીસે સમડીની શોધખોળ આદરી હતી. દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ઝાલા અને નરેશ ચાવડાને સમડી અંગે બાતમી મળી હતી. ઈન્ચાર્જ પી.આઈ. એન.વી. હરીયાણી તથા ટીમ સાથે મળી ચુનારાવાડમાં રહેતા કુખ્યાત વિશાલ કિશન સૌલંકી (ઉ.વ.૩૦) તથા ઉકા ઉર્ફે સંજય ભૂપત પરમાર (ઉ.વ.૩૯)ને દબોચી લીધા હતા. બંને શખસોએ ચીલઝડપ કર્યાની કબૂલાત આપી હતી.
સોનાનો ચેઈન પાડોશમાં રહેતી લાભુ મુન્ના સોલંકી (ઉ.વ.૪૦) નામની મહિલાને સાચવવા આપ્યો હોવાની કેફિયત આપતા લાભુને પણ પકડી લેવાઈ હતી.લાભુએ ચેઇનનો ઢાળિયો બનાવી વાણીયાવાડી શેરી નં.૩માં રહેતા સોની ચેતન અરવિંદભાઈ જીંજુવાડીયાને વેચ્યાની કબૂલાત આપતા સોની ચેતનને પણ પકડી લેવાયો હતો.ચેતન પાસેથી ૨૪.૮૫ ગ્રામ સોનાનો ઢાળીયો કબજે લેવાયો હતો તથા ચીલઝડપમાં વપરાયેલુ જી.જે.૦૩ એમસી ૪૧૮૫ નંબરનું બાઇક પણ પોલીસે કબજે લીધુ હતું. વિશાલ સામે છ ગુના તથા ઉકા ઉર્ફે સંજય સામે હત્યાનો એક ગુનો નોંધાઈ ચુકયો છે.
રાજકોટમાં કુખ્યાત બેલડી પાસાના પાંજરે પુરાયા
એલસીબી ઝોન 2 ની ટીમે સગીર ત્રણને ઝડપી લઇ ચાર ચીલઝડપના બનાવવાનો ભેદ ઉકેલ્યો હતો. આ બેલડી વિરુદ્ધ પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા ભક્તિનગર પોલીસે વોરંટની બજવણી કરી બેલડીને સુરત અને વડોદરા જેલ હવાલે કરી હતી.એલસીબી ઝોન 2 ની ટીમે સદામ ઉર્ફે મચ્છો યાસીનભાઈ કુરેશી (ઉ.વ 26 રહે. ભગવતીપરા મેઇન રોડ, જયપ્રકાશનગર) તથા વિક્રમ લાલજીભાઈ માનસુરીયા (ઉ.વ 52 રહે. પાંજરાપોળ પાસે)ને ઝડપી લઇ ચાર ચીલઝડપના બનાવવાનો ભેદ ઉકેલ્યો હતો. દરમિયાન ભક્તિનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ પી.આર.ડોબરીયાએ બંને આરોપીઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ દરખાસ્ત પર મંજૂરીની મહોર લગાવી બંને વિરુદ્ધ પાસાનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેથી ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે આ વોરંટની બજવણી કરી આરોપી સદામ ઉર્ફે મચ્છાને સુરતની લોજપર અને વિક્રમ માનસુરીયાને વડોદરા જેલ હોવાલે કર્યો હતો. સદામ સામે દુષ્કર્મ, ચીલઝડપ સહિતના છ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વિક્રમ સામે દારૂ સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.