8.638 કિલોગ્રામ માદક પદાર્થ સાથે રસુલપરાની કરીન ઉર્ફે ફરીદા ઝબ્બે : રિસીવરની શોધખોળ
Rajkot,તા.17
ગોંડલ રોડ હાઇવે પર આવેલી સૌરાષ્ટ્ર હોટેલ નજીકથી રીક્ષામાંથી શાપર પોલીસની ટીમે રૂ. 86,380 ની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 8.638 કિલોગ્રામ ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા કેરિયરની ધરપકડ કરવામાં આવી છે જયારે ડિલિવરી લેવા આવનાર શખ્સની ભાળ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
મામલામાં શાપર વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. વી જી જેઠવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.16-06-2025 ની સાંજે પોણા છ વાગ્યે બાતમીદારો મારફત બાતમી મળી હતી કે, રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર આવેલ કાંગસિયાળી ગામની સીમમાં માલધારી ચોકથી સૌરાષ્ટ્ર હોટલ તરફ જતા એક ઓટો રીક્ષા જેના નંબર જીજે-03-બીયુ-6040 માં બેસી એક મહિલા પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી ડિલિવરી કરવા જવાની છે
પોલીસે ગોંડલ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર હોટેલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સાંજના સાત વાગ્યે માલધારી ચોક તરફથી નેશનલ હાઈવે તરફ એક રીક્ષા આવતી જોવા મળી હતી. જે રીક્ષાને અટકાવી જોતા તેના નંબર જીજે-03-બીયુ-6040 ધ્યાને આવતા રિક્ષામાં ચાલક ઉપરાંત એક સ્ત્રી બેસેલી જોવા મળી હતી. જેથી મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ કરીનબેન ઉર્ફે ફરીદા કરીમભાઈ શાહમદાર (ઉ.વ.30 રહે. કોઠારીયા સોલવન્ટ, રસુલપરા શેરી નંબર-17,રાજકોટ) જણાવ્યું હતું. તેમજ રીક્ષા ચાલકે પોતાનું નામ મુસ્તાક હબીબભાઈ નકાણી (ઉ.વ. 40 રહે. રસુલપરા મસ્જિદ નજીક, રાજકોટ) તરીકે આપી હતી. બાદમાં રીક્ષાની ઝડતી કરતા કરીન ઉર્ફે ફરીદા પાસેથી એક કાળા કલરનો થેલો મળી આવેલ હતો. જે થેલામાં ચેક કરતા બ્લુ કલરની પ્લાસ્ટિકની કોથળી ઉપર ખાખી કલરની ટેપ વીંટેલા બે પેકેટ મળી આવ્યા હતા. જે પેકેટમાં તપાસ કરતા વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવતા મહિલાને આ પદાર્થ અંગે પૂછતા તેણે વનસ્પતિજન્ય માદક પદાર્થને ગાંજો હોવાનું જણાવ્યું હતું. જેથી એફએસએલ કચેરીને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને બાદમાં વનસ્પતિજન્ય પદાર્થની ચકાસણી કરાવતા તે ગાંજો હોવાનું ફલિત થતા શાપર પોલીસની ટીમે મહિલા ડ્રગ્સ કેરિયર પાસેથી કુલ 8.638 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 86, 380 કબ્જે કરી કરી કરીન ઉર્ફે ફરીદા કરીમભાઈ શાહમદારની ધરપકડ કરી હતી.
હવે શાપર પોલીસે આ ગાંજાનો જથ્થો મહિલા ક્યાંથી લાવી હતી, કોને આપવાનો હતો, કોણ ડિલિવરી લેવા આવવાનું હતું, કેટલો સમયથી મહિલા ડ્રગ્સ કેરિયર નશાના કાળા કારોબારમાં સંડોવાયેલી છે સહીતની દિશામાં તપાસ શરૂ કરી છે.