નજર ચૂકવી કોથળો ઉઠાવી જનાર મણી જાદવની ધરપકડ કરી તમામ પાર્સલ રિકવર કરી લેવાયા
Rajkot,તા.28
શહેરના રામાપીર ચોકડી નજીક આવેલ ‘અમને કહો’ પાર્સલ સર્વિસમાંથી રૂ. 17 હજારની કિંમતના 15 પાર્સલ ભરેલા કોથળાની ચોરીના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં તસ્કર મહિલા મણી ગોવિંદભાઈ જાદવની ધરપકડ કરી તમામ પાર્સલ રિકવર કર્યા છે.
સમગ્ર ઘટના પર એક નજર કરવામાં આવે તો રામાપીર ચોકડી પાસે ઓમ પેટ્રોલિયમ નજીક ખોડીયાર હોટલ પાસે આવેલી ‘અમને કહો’ પાર્સલની દુકાન પાસેથી કોઈ શખસ નજર ચૂકવી પાર્સલનો એક કોથળો જેમાં 15 નંગ પાર્સલ હોય જેની કિંમત રૂપિયા 17,000 છે. આ એમઝોનના પાર્સલનો કોથળો કોઈ શખસે ચોરી કરી ગયા અંગે અલગ અલગ સોસાયટીઓના ખાનગી સીસીટીવી કેમેરા તેમજ આઈવે પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા. બાતમીના આધારે શંકાસ્પદ મહિલાની સફેદ કલરના કોથળા સાથે અટકાયત કરવામાં આવી હતી. જે કોથળામાં રહેલ પાર્સલ અંગે મહિલાની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે રામાપીર ચોકડી પાસે આવેલ એમેઝોન પાર્સલની દુકાનમાંથી કોથળો ચોરી લીધાની કબૂલાત આપતા પોલીસે મણીબેન ગોવિંદભાઈ જાદવ (ઉ.વ. 65 રહે રાણીમાં રૂડીમાં ચોક, મફતીયાપરા, રાજકોટ)ની ધરપકડ કરી પાર્સલ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કર્યો હતો.