Rajkot. તા.24
ચેક રિટર્નના ગુનામાં ફરાર મહિલા આરોપીને ભક્તિનગર પોલીસની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી હેતલ પટેલ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ પેરોલ ફર્લો અને વચગાળાના જામીન મેળવી ફરાર તથા કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર આરોપીને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી.
જે સૂચના અનુસંધાને ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ આરોપીને શોધી વોરંટની બજવણી કરવા પીએસઆઇ જે જે ગોહિલની ટીમના હેડ કોન્સ્ટેબલ કેતનભાઇ બોરીચા અને કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ગોહિલ પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન બાતમીના આધારે કોર્ટના નેગોશિયેબલ એક્ટના ગુનામાં સજાના વોરંટના આરોપી તૃપ્તિબેન જીતેન્દ્રભાઈ પંડ્યા (રહે. ગાયત્રી કૃપા, મોરારીનગર શેરી નં.-બે, હરિધવા મેન રોડ) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહિલા આરોપી ચેક રીટર્નના ગુનામા છેલ્લા બે મહિનાથી સજાના વોરંટની બજવણીથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી.

