Rajkot તા.28
રાજકોટમાં ભેજાબાજ મહિલાએ અલગ અલગ દસ લોકો સાથે રૂ. 2.24 કરોડની ઠગાઈ આચરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈમિટેશન જવેલરીની દુકાન ધરાવતી નેહાબેન રજનીકાંતભાઈ ગાંધેશાએ વૃધ્ધ સાથે દુકાનનો સોદો કરી રૂ. 1.05 કરોડની અને અન્ય સાત મહિલા સહિત કુલ નવ લોકો સાથે રૂ.2.24 કરોડની છેતરપિંડી કર્યાની એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે નિર્મલા કોન્વેન્ટ રોડ પર સરસ્વતી સોસાયટી શેરી નં. 4માં રહેતા અને નિવૃત જીવન ગાળતા ઘનશ્યામભાઈ દયાળજીભાઈ માણેક (ઉ.વ.70)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નેહાબેન રજનીકાંતભાઈ ગાંધેશાનું નામ આપી જણાવ્યું કે, ધર્મેન્દ્ર રોડ પરના કડિયા નવ લાઈનશેરી નં.6માંથી નીકળતી વખતે દોમડિયાના ડેલા તરીકે ઓળખાતી બિલ્ડીંગમાં દુકાન નં.3 ઉપર કેપ્રી ગ્લોબલ કેપિટલ નામની જાહેર નોટિસમાં આ મિલકત લોનમાં ચડત હપ્તામાં છે.
જેથી કોઈએ વ્યવહાર કરવો નહીં તેવું બોર્ડ વાંચ્યું હતું. ગત માર્ચ માસમાં બોર્ડમાં લખેલા નંબર ઉપર કોલ કરતાં સામાવાળાએ મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર સ્થિત બિલ્ડીંગમાં પેઢીની ઓફિસમાં આવી જવાનું કહ્યું હતું.
ફરીયાદી ત્યાં જતાં પેઢીના મેનેજર નિખિલભાઈએ જણાવ્યું કે દુકાનના ચડત હપ્તા તમે ભરી દો, બાદમાં જો તમારે દુકાન ખરીદવી હોય તો 15-20 દિવસનો સમય મળશે. દુકાનના માલિક નેહાબેન છે, જેની તમારે જે દુકાન ખરીદવી છે તેની બાજુમાં દુકાન છે.
બાદ વૃદ્ધ નેહાબેનને મળતા તેણે કહ્યું કે તમે મારી દુકાનની લોન ભરી દો, સાથો-સાથ મને રૂ.9 લાખ આપો એટલે સોદો ફાઈનલ થઈ જશે. ત્યાર પછી પેઢીના મેનેજર સાથે બધી વાતચીત કરી લીધા બાદ નેહાબેનના બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી રૂ.7.94 લાખ જમા કરાવ્યા હતા. થોડા દિવસો બાદ નેહાબેને મિલ્કતનું સાટાખત કરી આપતા તેના ખાતામાં ચાર ભાગમાં આરટીજીએસથી લોનના રૂા.89.88 લાખ ભર્યા હતા. સાથો-સાથ રોકડા રૂ.9 લાખ આપ્યા હતા.
દસ્તાવેજ કરવા માટે નેહાબેને તા.16 એપ્રિલના રોજ રજીસ્ટ્રાર ઓફિસમાં આવી જવાનું કહ્યું હતું પરંતુ તે દિવસે નહીં આવતા કોલ કરતાં કહ્યું કે મારી પુત્રીની તબિયત ખરાબ છે, બે-ચાર દિવસ પછી દસ્તાવેજ કરશું. ચારેક દિવસ બાદ ફરીથી કોલ કરતાં દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને છ માસ સુધી જુદા-જુદા બહાના બતાવતા હોવાથી આખરે વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, આરોપી નેહાબેને અન્ય લોકો સાથે ધંધામાં ભાગીદારી, દુકાન વેચવાના, હાથ-ઉછીના વગેરે બહાના હેઠળ પૈસા લઈ લીધા હોવાની માહિતી મળી છે. નેહાબેનની ઉંમર 47 વર્ષ આસપાસ છે અને તે મનહરપ્લોટ-6માં અભિષેક એપાર્ટમેન્ટમાં રહે છે.
છેતરપિંડીનો ભોગ બનનાર લોકો
આરોપી નેહાબેન ગાંધેશાએ અનેક લોકો સાથે છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે. જેમાં અમીતાબેન ભાવેશભાઈ મહેતા સાથે રૂ.26.67 લાખ, જાગૃતિબેન રમેશભાઈ બાલાસરા સાથે રૂ.15 લાખ, દક્ષાબેન સુરેશભાઈ લાઠીગરા સાથે રૂ.1.20 લાખ, હર્ષાબેન પ્રદીપભાઈ મહેતા સાથે રૂ.4.પર લાખ, કાશ્મીરાબેન કનૈયાલાલ તન્ના સાથે રૂ. 17.72 લાખ, દક્ષાબેન હિરેનભાઈ ત્રિવેદી સાથે રૂ. 4 લાખ, રીટાબેન ઋષભભાઈ ગાંધી અને ભાવેશભાઈ પ્રફુલભાઈ ધામેચા સાથે રૂ.15-15 લાખ અને રાજેશભાઈ હરજીભાઈ મોકાસણા સાથે રૂ.ર0 લાખની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.