બે બાળકોની નજર સામે પાણીમાં ગરક મહિલા ને યુવાનોએ બહાર કાઢી દવાખાને પહોંચાડી
Lodhika,તા.18
લોધીકા તાલુકાના ખીરસરા ગામ તળાવે કપડા ધોતી વખતે અકસ્માતે પાણીમાં પડી ગયેલી મહિલા નું બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત નીપજતા બે બાળકો માતાની હુંફ થી વંચિત બન્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ખીરસરા ગામે મનસુખભાઈ ની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના રોશનીબેન ગીરીપાલસિંહ ટાવર ૨૭ ગામ નજીકના તળાવમાં બે બાળકો ને લઈ કપડા ધોવા ગયા હતા, ત્યારે અકસ્માતે તળાવના કાંઠેથી પગ લપસતા પાણીમાં પડી જતા બાળકોએ રાડા રાડ કરી મૂકી હતી. બાળકોની રાડા રાડ સાંભળી તરવૈયા યુવાનો તે તાત્કાલિક પાણીમાં ઝંપલાવી રોશનીબેનને અર્ધ બેભાન હાલતમાં બહાર કાઢી તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, રોશની બેનનું સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન બપોરે મોત નીપજ્યું હતું, રોશનીબેન ના પતિ કડિયા કામ કરે છે મૂળ મધ્ય પ્રદેશના રોશનીબેનને એક દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે .બાળકોની નજર સામે જ પાણીમાં ગરક થઈ મોતને ભેટેલા રોશનીબેનના મૃત્યુથી બે બાળકોએ માતા નું છત્ર ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે આ અંગે મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે.