મીત્ર પાસેથી સબંધના દાવે લીધેલી રકમ સવા ગણી રૂા.૬.૨૫ લાખ વળતર પેટે ચુકવવા હુકમ
Rajkot,તા.17
રાજકોટના વતની અને યુ.કે.માં રહેતી મહિલાએ રાજકોટના મીત્ર પાસેથી સબંધના દાવે લીધેલી રકમ પરત કરવા આપેલો ચેક રીર્ટન કેસમાં હાલ મુંબઈ જેલ હવાલે રહેલી મહિલા 1 વર્ષની સજા અને ચેકની રકમની સવા ગણી રૂા.૬.૨૫ લાખ બે માસમા વળતર પેટે ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમા શ્રધ્ધાપાર્ક, શ્યામ હોલ પાસે, ૪૦ ફુટ રોડ, અટીકામાં રહેતા મયુરકુમાર વૃંદાવનભાઈ કારીયાએ આલાબાઈ ના ભઠા પાસે અરૂણોદય મકાન સામે શક્તિનગરના ખુણે ચામુંડા નીવાસ મકાનમાં રહેતા નીશાબેન કેતનભાઈ ડુસારા સામે રાજકોટની અદાલતમાએ મતલબની ફરીયાદ દાખલ કરી હતી કે ફરીયાદી તથા આરોપી મીત્ર સર્કલ ગ્રુપ હોય અને આરોપી વિદેશમા યુ.કે. (યુનાઈટેડ કિંગ્ડમ) રહેવા જતા રહેલ ત્યાથી કયારેક આવતા હોય આરોપીએ યુ.કે.થી બેંકમા ત્રીસ હજાર પાઉન્ડ જમા કરાવેલ તે કોઈ કારણોસર ઉપડતા નથી અને તે ટેકનીકલ ખામી દુર કરતા પાંચથી સાત દિવસ લાગે તેમ હોય અને આરોપીને અરજન્ટ રૂા.૨૩ લાખની કોઈ પાર્ટીને પેમેન્ટ કરવાનુ હોય ટેકનીકલ ખામી કલીયર થયે ખાતામા રકમ જમા થયે રકમ પરત કરી આપશે તેમ કહી ફરીયાદી તથા ગ્રુપ સર્કલમાથી રકમની વ્યવસ્થા કરી આપવા જણાવેલ અને હિથો એરપોર્ટમાં નોકરી કરતા હોય મોટા બીજનેસમેન સાથે સંકળાયેલ હોય નાણા ડુબશે નહી તેવો વિશ્વાસ આપતા ફરીયાદીએ રૂા.૫ લાખ અન્ય બે મીત્રો પાસેથી રૂા.૧૮ લાખની અઠવાડીયા પુરતી જરૂરત હોવાથી વ્યવસ્થા કરી આપેલ તે રકમ પરત કરવા રૂા.૫ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપી વિરૂધ્ધ દાખલ કરવામા આવેલ ચેક રિટર્ન કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ચેક રીર્ટન કેસમાં હાલ મુંબઈ જેલમા રહેલા મહિલા આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમની સવા ગણી રકમ રૂા.૬.૨૫ લાખ બે માસમા વળતર પેટે ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ ત્રીજા ચેક રીટર્નના કેસમાં ત્રીજી વખત સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ અને જયમલ મકવાણા રોકાયા હતા.