Ahmedabad,તા.26
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. 108 ઇમર્જન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ બંને મહિલાને ગાડી મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વિરલબેન રબારી ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા હતા, જ્યારે હિરલબેન રાજગોર 108 ઇમર્જન્સી સેન્ટરમાં કાર્યરત હતા. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી
પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરાશે
આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, અકસ્માત અંગે જી ડિવિઝન પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવશે.