અર્નવ એન્જિનિયર્સના વૈશાલી શીંદેને રૂ.૧.૬૭ કરોડ એક માસમાં ચુકવવામાં કસુર ઠરે તો દરેક કેસમાં છ-છ માસની સજા
Rajkot,તા.07
પુનાની અર્નવ એન્જિનિયર્સના મહિલા માલીક વૈશાલી શીંદેને કુલ રૂ.૧.૬૭ કરોડના જુદા જુદા ૧૧ ચેકો રિટર્ન થવાના કેસોમાં કોર્ટે દરેક કેસોમાં દોઢ-દોઢ વર્ષની સજાઓ મળી સાડા સોળ વર્ષની કેદ અને દરેક ચેકના નાણા ફરીયાદીને એક માસમાં ચુકવવામાં કસુર કરે તો દરેક કેસમાં વધુ છ-છ માસની સજાનો પણ હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગ રાજકોટના આજી વસાહતની રવિ મેટલ ટીટ્રમેન્ટના પ્રોપ્રાઇટર રમેશભાઇ રાચ્છ સાથે પુનાની અર્નવ એન્જિનિયર્સના પ્રોપરાઈટર વૈશાલી વિનોદરાય શીંદેએ ધંધાકીય સંબધો કેળવી ધંધાના ઉપયોગ માટે રમેશભાઇ પાસેથી બે કરોડની ૨કમ મેળવી ૩ લાખ પરત કરી બાકી ૧ કરોડ ૯૭ લાખ પરત કરવા આપેલ ૧૪ ચેકો રિટર્ન થતા તે સંબધે નીચેની અદાલતમાં ૧૪ કેસો દાખલ કર્યા હતા. જે કેસો ચાલવા દરમિયાન જુદા જુદા મુદ્દાઓ ઊભા કરીને 28 જેટલી રિવિઝન અરજીઓ થઈ હતી. અને કાનૂની જંગ દરમિયાન કુલ-૩ કેસોના રૂા.૩૦ લાખનું પેમેન્ટ કરી કુલ રકમ રૂા.૧.૬૭ કરોડ પરત ન કરતા બાકી રહેલા ૧૧ કેસો અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપીને દરેક કેસમાં દોઢ-દોઢ વર્ષની જેલસજાઓ મળી કુલ ૧૧ કેસોમાં સાડા સોળ વર્ષની સજા ઉપરાંત ચેકોની રકમ રૂા.૧.૬૭ કરોડ એક માસમાં ફરીયાદીને ચુકવવામા કસુર કરે તો દરેક કેસમાં વધુ છ-છ માસની સજા ફરમાવતો હુકમ છે.આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયા હતા.