New Delhi, તા.4
દક્ષિણ આફ્રિકા સામેના મહિલા વર્લ્ડકપના ફાઈનલમાં જીત મળતાની સાથે જ ભારતીય મહિલા ટીમની ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુમાં રાતોરાત 30થી100 ટકા સુધીનો વધારો થઈ ગયો છે.
પુરૂષ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ સાથેનુ અંતર પણ ઘટી ગયુ છે. જેમિમા રોડ્રીકસ, સ્મૃતિ માંધાના, હરમનપ્રીત કૌર, દિપ્તી શર્મા, શેફાલી વર્મા સહિતની મહિલા ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ 25થી100 ટકા વધી ગઈ છે એટલું જ નહીં તેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના કરાર કરવા માટે કંપનીઓએ લાઈનો લગાવી છે.
ભારતે બાવન વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા વર્લ્ડકપ જીત્યો હતો. ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ હતું. સ્ટેડીયમથી માંડીને શહેરો-ગામો સુધી ઉજવણી થઈ હતી. રાજકીયથી માંડીને તમામ સેલીબ્રીટીઓએ વિજયને ગૌરવવંતો ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા. નારીશક્તિનો વિજય ગણાવ્યો હતો. સોશ્યલ મીડીયામાં ફોલોઅર્સની સંખ્યા બે કે ત્રણ ગણી વધી ગઈ હતી.
મહિલા ક્રિકેટરોનુ બ્રાન્ડ મેનેજમેન્ટ કરતી કંપનીઓના સૂત્રોએ કહ્યું કે, મહિલા ક્રિકેટરોને કરારબદ્ધ કરવા ગઈકાલથી જ ઈન્કવાયરીમાં મોટો વધારો હતો. પ્રાથમીક તબકકે જ ઉંચી ફી ઓફર કરવા લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ જીતાડનાર જેમિમાની બ્રાન્ડ વેલ્યુ ડબલ થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા સામેની જીતના બીજા જ દિવસે તેના માટે ઈન્કવાયરી શરૂ થઈ ગઈ હતી. 10-12 કેટેગરીની બ્રાન્ડ માટે ઈન્કવાયરી હતી. હાલ તે રેડબુલ, બોટ, નાઈકી એસજી તથા સર્ફ એકસેલ જેવી બ્રાન્ડ ધરાવે જ છે. 75 લાખથી 1.50 કરોડની બ્રાન્ડ વેલ્યુ છે.
ભારતીય ક્રિકેટમાં સૌથી ઉંચી બ્રાન્ડ વેલ્યુ ધરાવતી સ્મૃતિ માંધાના મેકસોન, નાઈકી, હુન્ડાઈ, એસબીઆઈ, ગલ્ફ ઓઈલ સહિત 16 બ્રાન્ડ સાથે કરાર ધરાવે છે. 1.50 થી2 કરોડની ફી છે.
ભારતીય મહિલા ખેલાડીઓ સાથે કરાર ધરાવતી કંપનીઓ હવે કરાર રીન્યુ કરાવવા પણ આતુર બની છે. આ સિવાય મહિલાઓની હેલ્થ સપ્લીમેન્ટ, લાઈફસ્ટાઈલ, ઓટો જેવા ક્ષેત્રોની કંપનીઓ પણ કરાર માટે લાઈન લગાવવા માંડી છે.
બ્રાન્ડ વેલ્યુમાં વધારા સાથે પુરૂષ ખેલાડીઓ સાથેનુ ફીનુ અંતર પણ ઘટયુ છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 4.5 થી 8 કરોડ છે. જયારે અન્ય ક્રિકેટરોની સરેરાશ 1.5 થી 4 કરોડ છે. વર્લ્ડ ચેમ્પિયન બનતા પુર્વે મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુ 30 લાખથી 1.50 કરોડ હતી જે જીત બાદ 60 લાખથી 3 કરોડે પહોંચી છે.મહિલા વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. બાવન વર્ષના ઈતિહાસમાં પ્રથમ વકત ચેમ્પિયનની ટ્રોફી હાંસલ થતા સ્વપ્ન સાકાર થયુ છે. જીત બાદ સ્ટેડીયમમાં જશ્ન મનાવાયો જ હતો.
ત્યારબાદ હોટલમાં પણ ઉજવણી થઈ હતી. ભારતીય ટીમની કપ્તાન હરમનપ્રીત કૌર પોતાના પલંગમાં જ ટ્રોફીને સાથે રાખીને સુતી હતી. ભારતીય ટીમ માટે આ યાદગાર ક્ષણ હતી.

