Mumbai,તા.25
નેશનલ એવોર્ડ વિજેતા એકટ્રેસ કૃતિ સેનનને બીજા એકટરોની જેમ ફિલ્મોમાં આવવા માટે પોતાના ફેમિલી સામે ઝઝુમવું નથી પડયું. તાજેતરમાં એને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ)એ ભારતમાં પોતાની જેન્ડર ઇકવેલિટીની ઓનરરી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કૃતિને નીમી.
કૃતિ સેનન કહે છે, ‘હું યુએનએફપીએને એમના વિવિધ પ્રોગ્રામ્સમાં મદદ કરીશ, જેમાં ફિલ્ડ વર્ક પણ સામેલ હશે. ખરું કહું તો ફિલ્ડ વર્ક માટે હું વધુ ઉત્સાહિત છું. આ બે વરસનો પ્લાન છે અને એ દરમિયાન હું સરકાર પ્રાઇવેટ સેક્ટર, વિવિધ સામાજિક સંગઠનો અને ગ્લોબલ લિડર્સ સહિતના બીજા પક્ષકારોનું સમર્થન મેળવવા પ્રયાસ કરીશ, જેથી ભારતમાં જેન્ડર ઇક્વેલિટીમાં પ્રગતિ થાય.’
બીજો પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ હતો, તમે આ અભિયાનમાં જોડાયા બાદ ભારતમાં અને દુનિયાભરમાં જેન્ડર ઇકવેલિટીની હાલની સ્થિતિ વિશે શું નવું જાણ્યું? કૃતિએ શાંતિથી મુદ્દાસર એનો ઉત્તર આપ્યો, ‘સ્ટેજ પર મારી સાથે જે છોકરીઓ હતી એમના થોડાક દાખલા તમારી સાથે શેર કરું. બધાની પોતપોતાની સ્ટોરી હતી. નાની ઉંમરમાં પરણાવી દેવાયેલી એક છોકરીને ૧૩ વરસની ઉંમરે સાસરિયામાં પુષ્કળ ત્રાસ અપાતો. એ છોકરીમાં ઘરમાંથી બહાર પડવાનું સાહસ હતું એટલે એણે સાસરું છોડયું અને નર્સ બની ગઈ અને આજે પોતાના પગ પર ઊભી છે. બીજી એક છોકરીના તો ૧૧ વરસની ઉંમરે બાળલગ્ન કરવાનો કારસો રચાયો હતો. સદભાગ્યે એના એક સંબંધી અને યુએનએફપીએની મદદથી એ બચી ગઈ. પછી એણે ભણીને ડિગ્રીઓ લીધી. બીજી એક સ્ત્રીએ પોતાની જાત મહેનતે એક સલૂન ખોલ્યું છે. આવી પરિસ્થિતિઓમાં સૌથી જરૂરી બાબત નૈતિક હિંમત છે. સ્ત્રીમાં આવા દુર્વ્યવહારોથી પોતાનો પીછો છોડાવવાનું સાહસ હોય તો બધું થઈ શકે. પોતાની સાથે જે થઈ રહ્યું છે એ સદંતર ખોટું છે અને લાઈફને બહેતર બનાવવાનો પોતાને હક છે એવી બળકટ લાગણી એને થવી જોઈએ. સ્ત્રીઓ પોતાની લાચારીને ફગાવી બહાર પડે પછી યુએનએફપીએના સપોર્ટથી ધારે એ કરી શકે છે.’
કૃતિ ઉમેરે છે, ‘યુએનએફપીએએ ભારતમાં પોતાના ૫૦ વરસનાં યોગદાનની ઉજવણી કરી ત્યારે એ ફંક્શનમાં ગઈ હતી. એ પ્રસંગે મેં સંસ્થાના પદાધિકારીઓ સાથેની વાતચીતમાં એમના કામ અને એમની જર્ની વિશે જાણ્યું. એ સાંભળ્યા પછી મેં એમની સાથે આત્મીયતા અનુભવી. એટલે એમણે મને જેન્ડર ઇક્વેલિટી માટે ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર કરી ત્યારે મેં એક મિનિટનો વિચાર કર્યા વિના એ સ્વીકારી લીધી. આવું ઉમદા કાર્ય કરવાનું તો મારું વરસોનું સપનું હતું. હવે હું મારા અવાજ અને મારી પહોંચનો, વગનો પોઝિટીવ ઉપયોગ કરી સમાજમાં મારું યોગદાન આપી શકીશ. સ્ત્રીઓને એમના હકો અપાવવા હું થોડુંક પણ કરી શકીશ તો મારી જાતને ભાગ્યશાળી માનીશ.’