રોગમાં સ્ત્રીનાં શરીરમાંથી યોનિ મારફતે સફેદ પાણીનો પુષ્કળ પ્રમાણમાં સ્ત્રાવ થયા કરે છે, જેથી સ્ત્રીનું શરીર નબળું પડી જાય છે, તેને પેઢું અને કમરમાં દુઃખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે…આ રોગને આયુર્વેદમાં ‘શ્વેતપ્રદર’ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે યોનિ મારફતે જ્યારે વધારે પ્રમાણમાં રક્તનો સ્ત્રાવ થાય ત્યારે તેને ‘રક્તપ્રદર’ તરીકે ઓળખવામાં આવે છે. વધારે પ્રમાણમાં શરીરમાંથી રક્ત ઓછું થઇ જવાથી સ્ત્રીઓ એનિમિયા-પાંડુરોગ, અશક્તિ વગેરેનો ભોગ બની શકે છે.
સ્ત્રીનાં શરીરને કૃશ કરી નાખનાર આ રોગોનો જો શરૂઆતથી જ યોગ્ય ઉપચાર શરૂ કરી દીધો હોય તો સામાન્ય ઘરગથ્થું ઉપચારથી જ આ રોગ મટી શકે છે. પરંતુ જો તે જૂનો થાય તો ગંભીરરૂપ ધારણ કરી કેન્સર જેવા રોગનું પ્રમાણ બને છે. શરૂઆતમાં જ નીચે બતાવેલા ઉપાયોમાંથી જે સરળ લાગે તે ઉપાયો સાથે કરવાથી ત્વરિત પરિણામ મેળવી શકાય છે.
નાગકેસરને ૨ થી ૩ ગ્રામની માત્રામાં છાસ સાથે લેવું તથા ખોરાકમાં છાસ-ભાત લેવાં.
* લોઘ્ર ચૂર્ણ ૧ ચમચી અને સાકર ૧ ચમચી માત્રામાં લઈ ચોખાનાં ઓસામણમાં મેળવી લેવું.
* કેરીની ગોટલીનું ચૂર્ણ પા-પા તોલો પ્રમાણમાં દિવસમાં ત્રણવાર લેવું.
* જીરૂં અને સાકર સમભાગ ચૂર્ણ કરી ૧ તોલો ચોખાના ધોવાણમાં પીવાથી રક્તપ્રદ અને શ્વેતપ્રદર બંને મટે છે. અને ગર્ભનાં દોષોનું પણ નિવારણ થાય છે.
* શતાવરી ચૂર્ણ દૂધમાં ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું.
* આમળાનું ચૂર્ણ ૧-૧ ચમચી મધમાં લેવું.
* જેઠી મધ ૫-ગ્રામ, સાકર-૧૦ ગ્રામ ને ચોખાનાં ઓસામણ સાથે લેવું.
* ૫ ગ્રામ નાગકેસરનું ચૂર્ણ માખણ અને સાકરમાં નિયમિત રીતે લેવાથી પણ આ રોગમાં ખૂબ ફાયદો થાય છે.
* ઉમદનાં ફળનું ચૂર્ણ માખણ સાથે ૧-૧ ચમચી આપવું.
* વડની લીલી છાલ ૬ ગ્રામ મધ સાથે સવાર-સાંજ આપવી.
* તાંદળજાની ભાજીનાં મૂળનો રસ અડધો-અડધો તોલો અને જેઠીમધનું ચૂર્ણ પોણો તોલો મધ સાથે લેવાથી બધી જ જાતનાં પ્રદર રોગ મટે છે.
* રક્તપ્રદર માટે વડની વડવાઈનું ચૂર્ણ સાંકર અને દૂધ સાથે લેવું, તેનાથી ગમે તેવો રક્તપ્રદ કે લોહીવામાં ફાયદો થાય છે.
* આંબાની છાલનું ચૂર્ણ પાણી સાથે લેવું અથવા છાલ પલાળી પીવાથી રક્તપ્રદર મટે છે.
* કમરકાકડી ૬ ગ્રામ માત્રામાં લઈ સાંકર સાથે દૂધ અને પાણીમાં તેની ખીર બનાવી ખાવાથી પ્રદરરોગમાં ખૂબ જ અસરકારક ફાયદો થાય છે.
* દરેક પ્રકારનાં પ્રદર રોગના ઇસબગુલ અને સાંકર પાણીમાં ભીંજવી રાખી પછી તે લેવું.
* જાંબુડી અથવા દાડમડીની છાલનો ઉકાળો પણ પ્રદર માટે શ્રેષ્ઠ અસરકારક સાબિત થયેલ છે.
* શ્વેતપ્રદરમાં રસવંતીને ચોખાના ધોવાણ સાથે દરરોજ સવારે લેવી, જેથી ઘણો જ ફાયદો જણાશે.
* અડધો તોલો ત્રિફળાનું ચૂર્ણ વહેલી સવારે લેવું.
* રાજગરાની ભાજીનો રસ, ખાંડ ભેળવી કે સાંકર નાખી ૨૫ થી ૩૦ ગ્રામ પ્રમાણમાં લેવો. જે દરેક પ્રકારના પ્રદર ઉપર અસરકારક છે.
* સેમળનાં ફૂલ ઘી માં તળીને ખાવાં
* બહુફળીનું ચૂર્ણ સાકર સાથે સમભાગ ૧-૧ તોલો દૂધ સાથે સવાર-સાંજ લેવું. પ્રદર રોગની આ ઉત્તમ દવા છે.
* બહુફળી અને ત્રિફળા સમભાગે ચૂર્ણ કરી રાખવું તેમાંથી પા-પા તોલો ચૂર્ણ સવાર-સાંજ સાકરનાં પાણી સાથે લેવું.
* પ્રદર રોગમાં કાંસકીનું મૂળ ગાયના દૂધમાં ઉકાળીને લેવાથી ઘણો જ ફાયદો થાય છે.
* ગળો ચૂર્ણ ૧-૧ ચમચી મધ સાથે લેવાથી બંને પ્રદરમાં અસરકારક છે.
* આમળાનો રસ સાંકર સાથે લેવો તેમજ અજમો અને લોઘ્રચૂર્ણ મધ સાથે લેવું.
* આમળાનું ચૂર્ણ કેળા સાથે લેવાથી પણ શ્વેતપ્રદરની સમસ્યા મટી શકે છે.
* સાલમ મૂસળી, ધોળી મૂસળી અને શતાવરીનું સમાનભાગ ચૂર્ણ કરીને તેમાંથી ૧-૧ ચમચી ચૂર્ણ ૨૦૦ ગ્રામ દૂધમાં સાકર સાથે ઉકાળીને બે વાર પીવું.
* દૂર્વાનો કવાથ બનાવી પીવાથી પણ પ્રદરરોગ જાય છે.
* ગોખરનાં છોડ ઉપર ફળ બેસે કે તુરંત જ લઈ લેવા અને સૂકવીને તેનું ચૂર્ણ કરવું. આ ચૂર્ણને લીલા ગોખરનાં રસનો પુટ આપવો આ ચૂર્ણ દૂધમાં નિયમિત લેવાથી પ્રદર હંમેશાં માટે મટી જાય છે, સાથે સાથે જો કોઈ દર્દીને પથરીનો રોગ હોય તો પથરી પણ આ પ્રયોગથી મટી જાય છે.
* લાલજાસૂદનાં ફૂલ અને સાંકર ક્રશ કરી તેમાં લીંબું નીચોવી રાખો. તેમાંથી ૧-૧ ચમચી ત્રણવાર ગુલકંદની જેમ ખાવું, જેથી પ્રદર રોગમાં ખૂબ જ ફાયદો જણાશે.
* કેવડાનાં મૂળનાં રસમાં સાકર મેળવી તે પીવું.
* માયાફળ ૪ નંગ, ધાવડીનાં ફૂલ, લોઘ્ર, રસવંતી, વાંસકપૂર દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ચૂર્ણ કરી રાખવું. આ ચૂર્ણમાંથી ૧-૧ ચમચી ચૂર્ણ (૩ ગ્રામ) જેટલું ચોખાના ઓસામણમાં સવાર-સાંજ લેવું. જો પ્રદરનું પ્રમાણ વધારે હોય તો ચાર-ચાર કલાકનાં અંતરે પણ આ ચૂર્ણ લઈ શકાય છે.