New Delhi,તા,01
આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રવિવારે (બીજી નવેમ્બર) નવી મુંબઈમાં ડૉ. ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. જો કે, આ મહત્ત્વપૂર્ણ મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચના મુખ્ય દિવસે એટલે કે બીજી નવેમ્બરે નવી મુંબઈમાં વરસાદ પડવાની સંભાવના 63 ટકા જેટલી છે. હવામાન વિભાગ અનુસાર, સવારે વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યારબાદ બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા વધુ છે.
ત્રીજી નવેમ્બર રિઝર્વ ડે જાહેર
ફેન્સની ચિંતાને ધ્યાનમાં રાખીને ICCએ ફાઇનલ મેચ માટે ત્રીજી નવેમ્બરને રિઝર્વ ડે તરીકે નક્કી કર્યો છે. જો રવિવારે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર ઓછામાં ઓછી 20 ઓવરની રમત શક્ય ન બને, તો મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે. રિઝર્વ ડે પર મેચ ત્યાંથી જ ફરી શરુ થશે જ્યાં તે અટકી હતી. એકવાર ફાઇનલમાં ટોસ થઈ જાય, પછી મેચને લાઇવ ગણવામાં આવશે.
જો કે, ચિંતાની વાત એ છે કે, રિઝર્વ ડે એટલે કે ત્રીજી નવેમ્બરના રોજ પણ નવી મુંબઈમાં વરસાદની શક્યતા 55 ટકા જેટલી છે. સોમવારે મોટેભાગે વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યારેક ક્યારેક વરસાદ પડી શકે છે.
રિઝર્વ ડે પર પણ વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડે અને બંને ટીમો ઓછામાં ઓછી 20 ઓવરની રમત પૂર્ણ ન કરી શકે, તો ICCના નિયમો મુજબ ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ 2002ની ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, કારણ કે ફાઇનલ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

