Ahmedabad,તા.27
અદાણી કોર્પોરેટ હાઉસ અમદાવાદ ખાતે આયોજીત અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેવમાં આધુનિક રામ અને કૃષ્ણ ભગવાન વચ્ચે અદભૂત સંવાદ યોજાયો. રામના આદર્શો અને કૃષ્ણની ગીતા આધારિત સંવાદોએ અદાણી કોન્ક્લેવને ખાસ બનાવ્યો. એક સમયે ટીવી સિરિયલોમાં રામ અને કૃષ્ણનું પાત્ર ભજવી લોકપ્રિય થયેલા અગ્રણી કલાકારો અરૂણ ગોવિલ અને નિતીશ ભારદ્વાજે એક વિશેષ સત્રમાં સવાલોના તર્કસંગત અને પ્રાસંગિક જવાબો આપ્યા.
અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેવમાં ભારતીય સંસ્કૃતિને નવી ઉંચાઈએ પહોંચાડવાના ઈન્ડોલોજી મિશનને ટેકો આપવા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 100 કરોડ રૂપિયાના યોગદાનની જાહેરાત કરી છે. આ ત્રીદિવસીય કોન્ક્લેવમાં ભારતીય સભ્યતા, ભાષા, ફિલસૂફી અને સાંસ્કૃતિક વારસો પર કેન્દ્ર સ્થાને રહી.
ગ્લોબલ કોન્ક્લેવ અંતર્ગત ટીવી સિરિયલોમાં રામ અને કૃષ્ણની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ અને નીતિશ ભારદ્વાજે સમકાલીન જીવનમાં બેઉ પાત્રોની સુસંગતતા પર વિગતવાર ચર્ચા કરી. મેરઠના સાંસદ અને અભિનેતા અરુણ ગોવિલે કહ્યું કે રામ એક વ્યક્તિ નહીં પરંતુ એક “આદર્શ” છે, એક એવો આદર્શ જે વ્યક્તિ અને સમાજ બંનેને માર્ગદર્શન આપે છે. તેમણે ઉમેર્યું કે રામાયણ માત્ર એક ધાર્મિક ગ્રંથ જ નહીં પરંતુ પારિવારિક અને સામાજિક સંબંધોનું એવું માળખુ છે જે દરેક યુગમાં લોકોને માર્ગદર્શન કરતું રહે છે.
ગોવિલે સમજાવ્યું કે શ્રીરામનું જીવન પ્રેરણાદાયક છે કારણ કે તેમણે આદર્શ પુત્ર અને આદર્શ રાજા બંને તરીકેની પોતાની ફરજોને ઉત્તમ રીતે નિભાવી. રામની જીવનયાત્રા પોતે જ એક ઉપદેશ છે.
મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા અદા કરનાર નિતિશ ભારદ્વાજે મહાભારતના ધર્મયુદ્ધ માટે ધ્રુતરાષ્ટ્રની ભૂમિકા અંગે જણાવતા કહ્યું કે તત્કાલિન કાયદાઓમાં સમાધાન કરી તેમણે રાજાનું પદ લીધુ પણ તેનો નિર્વાહ ધર્મ આધારિત ન કર્યો જેના પરિણામે દ્રોપદી ચીરહરણ જેવી ઘટનાઓ બની જે મહાભારતનું ભીષણ યુદ્ધનું કારણ હતી.
ભારદ્વાજે કહ્યું કે ભગવાન કૃષ્ણએ રામ દ્વારા સ્થાપિત આદર્શોને દ્વાપરયુગમાં આગળ ધપાવ્યા અને તેમને વ્યવહારિક દ્રષ્ટિએ લાગુ કર્યા. તેમણે એમ પણ કહ્યું કે, ” રામ અને કૃષ્ણ માત્ર કોઈ કથાના પાત્રો જ નથી, પરંતુ સમાજને પ્રેરણા આપતી મહાન વિભૂતિઓ છે”.

