Hague તા.26
નેધરલેન્ડના હેગ સીટીમાં યોજાયેલી નાટો દેશોની શિખર પરિષદમાં એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુધ્ધ વિરામ કરાવ્યો તે બદલ તેમની પ્રસંશા થઈ હતી. તે સમયે જ નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે ટ્રમ્પને ‘ડેડી’ તરીકે સંબોધન કરતા તેના પણ પ્રત્યાઘાત પડયા હતા.
જોકે ટ્રમ્પ અગાઉ નાટોની ટીકા કરતા હતા. તેમણે પોતાના પ્રભાવમાં પૂરેપુરો ઉપયોગ આ શિખર પરિષદમાં કર્યો છે નાટો રાષ્ટ્રોને તેમના સંરક્ષણ બજેટમાં પાંચ ટકા સુધીનો વધારો કરવામાં ટ્રમ્પે સમજાવટમાં સફળતા મેળવી છે. 32 દેશોના આ લશ્કરી સંગઠનની બેઠક ટ્રમ્પ-2 સાશનમાં પ્રથમ વખત યોજાઈ હતી.
આ બેઠક બાદ પ્રમુખ ટ્રમ્પ સાથે મીડીયાને સંબોધનમાં નાટોના સેક્રેટરી જનરલ માર્ક રૂટે એવું કહ્યું કે તો પછી ‘ડેડી’ને આકરી ભાષાનો ઉપયોગ કરવો પડે છે. તેમનો ઈશારો હાલમાં જ ટ્રમ્પે જે રીતે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુધ્ધ વિરામ સમયે બાદમાં મિશાઈલ હુમલા થયા તેમા ટ્રમ્પ એફ-વર્ડનો ઉપયોગ કર્યો જે અંગ્રેજી ભાષામાં એક ગાળ થાય છે.
નાટોના સેક્રેટરી જનરલના વિધાન પર જબરી ચર્ચા છે. ટ્રમ્પે અગાઉ પોતાના સંબોધનમાં ઈરાન અને ઈઝરાયેલના યુધ્ધને બે બાળકો સ્કુલના મેદાનમાં ઝઘડી રહ્યા હોય તેવું જણાવ્યું હતું અને પોતાની બ્લન્ટ ડીપ્લોમસી કે જેમાં આકરી ભાષાનો ઉપયોગ કરે છે તેનો પણ બચાવ કર્યો હતો. તો નાટોની બેઠકમાં ઈરાનના અણુ કાર્યક્રમને તોડી પાડવા ટ્રમ્પે જે રીતે બંકર બ્લસ્ટર બોંબનો ઉપયોગ કર્યો તેની પણ પ્રસંશા કરી હતી.