ઉછીના આપેલા નાણાં પરત આપવાનું કહેતા ચાનો ધંધાર્થી લોખંડના પાઇપ વડે તૂટી પડ્યો : આજીડેમ પોલીસમાં ગુનો
Rajkot,તા.08
શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ઉછીના આપેલા 200 રૂપિયા પરત માંગતા ચાના ધંધાર્થીએ લોખંડના પાઇપ વડે માર મારી શ્રમિક યુવાનને બંને પગ અને હાથ ભાંગી નાખ્યો હતો. જે બનાવમાં આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ વિસ્તારના નારાયણનગર શેરી નંબર-4 માં રહેતા 36 વર્ષીય શ્રમિક શૈલેષભાઇ વેલજીભાઇ બારૈયાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી દેવકરણ ભરવાડનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગત તા.07-09-2025 ના રોજ બપોરના અઢી વાગ્યાની આસપાસ હું હુસેની ચોક પાસે જુના બસસ્ટેન્ડ નજીક ફિરોજ સાથે બેઠેલ હતો અને બંને લુડો રમતા હતા. ત્યારે બાજુમાં ચાની કેબીન ચલાવતો દેવકરણ ભરવાડ અમારી પાસે આવેલ હતો. જેથી મે અગાઉ આપેલા 200 રૂપિયા પરત માંગતા દેવકરણ ગાળો આપવા લાગેલ હતો. બાદમાં તેની ચાની કેબિનમાંથી લોખંડનો પાઈપ લઈ મને બંને પગમાં તથા હાથના ભાગે મારવા લાગેલ હતો. મે પાઇપ મારવાની ના પાડતા દેવકરણે મને પીઠના ભાગે પાઇપ ઝીંકી દીધો હતો.
બનાવને પગલે યુવાને હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ આપતાં આજીડેમ પોલીસની ટીમે દેવકરણ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.