Junagadh તા. ૧૫
અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી જૂનાગઢની સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થા ખાતે વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.
તા. ૧૪- ૧૧- ૨૦૨૫ ના રોજ ૧૪ નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત સાંપ્રત સંસ્થામાં પણ બાળ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી, અને સમાજમાં એવો મેસેજ આપવામાં આવેલ કે, અનાથ અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો પણ સમાજનો એક ભાગ છે. બાળકોને માતા- પિતાની છત્રછાંયા મળી રહે તેવા હેતૂથી સંસ્થામાં આવા બાળકોને ૨૪ કલાક સાચવવામાં આવે છે. આવા બાળકો માટે હોસ્પિટલની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા, તેમજ તેમના દિવ્યાંગતા પ્રમાણેની તમામ પ્રકારની તાલીમો આપી બાળક સ્વ નિર્ભર બની શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. તથા સામાન્ય બાળકોની જેમ સંસ્થાના દિવ્યાંગ બાળકોની તમામ દેખરેખ અને સંભાળ રાખવામા આવે છે. અને દરેક તહેવારોની ઉજવણી એક પરિવારની જેમ કરવામાં આવે છે.
સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓ અને બાળકોની મુલાકાતે આવતા દાતાઓ પણ આ બાળકોના માતા-પિતા બની જાય છે. અને દિવ્યાંગ બાળકોને માતા – પિતાની હુંફ પૂરી પાડે છે. તેથી સંસ્થાના આવા દાતાઓનો સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાર પરમાર એ આ તકે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા વિશ્વ બાળ દિવસ નિમિત્તે તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી.

