Ahmedabad,તા.30
એશીયાઈ સાવજોનો વરસાદ ધરાવતાં એકમાત્ર ગીર અભ્યારણમાં પ્રકૃતિ-પર્યાવરણને નુકશાન રોકવા માટે ઉદેશ સાથે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફ દ્વારા બામણાસાથી જામવાળા રોડને પહોળો કરવાની દરખાસ્ત ફગાવી દીધી છે.
ગીર સોમનાથ જીલ્લામાં બામણશાથી જામવાળાનો રસ્તો પહોળો કરવા માટે માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. સ્ટેટ હાઈવે 98 પરનાં આ પ્રોજેકટ માટે અભ્યારણની 1.30 હેકટર જંગલની જમીન માંગવામાં આવી હતી. ગુજરાત વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા તેને મંજુરી આપવામાં આવી હતી. અને બહાલી આપવાની ભલામણ સાથે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફને મોકલવામાં આવી હતી.
પરંતુ તેના દ્વારા તે નકારી દેવામાં આવી હતી.બોર્ડની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકની મીનીટસ મુજબ ગીર અભ્યારણ એશીયાઈ સિંહોનું રહેઠાણ છે ઉપરાંત અનેક પ્રજાતિનાં વન્ય પ્રાણીઓનું રહેઠાણ છે.દરખાસ્ત વર્તમાન કાચો રોડ પહોળો અને ડામરનો કરવા સુચવાયું છે. પરંતુ અભ્યારણ માટે પર્યાવરણ પ્રાકૃતિક વાતાવરણ અનિવાર્ય છે. ગીર અભ્યારણના અનેક રસ્તા બંધ છે અને કેટલાંકમાં સમયમર્યાદા છે.
આ સ્થિતિમાં પ્રોજેકટથી ઈકો સીસ્ટમ તથા વન્ય જીવોની હેરફેરમાં વિઘ્ન ઉભુ થઈ શકે છે. અભ્યારણની અંદરના રસ્તાથી ટ્રાફિક વધવાના સંજોગોમાં પ્રાણીઓ માટે ડીસ્ટબર્ન્સ સર્જાઈ શકે. આ પ્રકારની દલીલો સાથે રસ્તો પહોળો કરવાની દરખાસ્ત નકારવામાં આવી હતી.
બેઠકમાં એવી પણ ટીપ્પણી થઈ હતી કે ડામરનો રસ્તો બનાવવામાં આવે તો વખતો વખત સમારકામ કરવુ પડે અને તેનાથી આગ લાગવાનું જોખમ ઉભુ થઈ શકે.
બોર્ડ દ્વારા જોકે વર્તમાન રસ્તાને મજબુત કરવા માટે કેટલીક શરતો સુચવી છે.
વન્યજીવને કોઈ તકલીફ ન થાય તે રીતે દિવસના ભાગે કામગીરી કરવા વિસ્ફોટકો અગનજવાળાનો ઉપયોગ નહીં કરવા તથા પ્રવર્તમાન ટ્રાફિક નિયંત્રણો યથાવત રાખવા કહેવામાં આવ્યું છે.
વન્ય પ્રાણીઓની હેરફેરની સુવિધા માટે ઓવરબ્રિજ બાંધવા તથા કોરીડોર સ્થાપવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવાની જરૂરીયાત પર ભાર મુકયો હતો. ગુજરાતના સીનીયર વન અધિકારીઓ નામ નહિ દેવાની શરતે એમ કહ્યું કે નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડે પ્રવર્તમાન નિયંત્રણ ચાલુ રાખવા સુચવ્યુ છે.
જેમાં ભારે વ્યાપારી વાહનો, સરકારી બસ-હળવા વાહનોને દિવસે જ પ્રવેશ, ટ્રાફિકનું રીયલ ટાઈમ મોનીટરીંગ, વન્ય પ્રાણી પસાર થતા હોય તો તેને પ્રાધાન્ય આપવા હોર્ન કે અવાજ કરવાની મનાઈ, ગતિ મર્યાદા તથા ઈમરજન્સી સિવાય વાહનો ઉભા નહિં રહેવા દેવા જેવા નિયમો સામેલ છે.