Australia, તા.16
ઑસ્ટ્રેલિયાની નેશનલ ઍરલાઈન કંપની ક્વોન્ટાસ ઍરવેઝે જાહેરાત કરી છે કે સિડની અને લંડન વચ્ચે વિશ્ર્વની સૌથી લાંબી નોન-સ્ટોપ પેસેન્જર ફ્લાઈટ 2027માં ઉડાન ભરશે. આ ફ્લાઈટ 20 કલાકથી વધુ સમય સુધી નોન-સ્ટોપ ઉડ્ડયન કરીને 17,015 કિલોમીટરનું અંતર કાપશે.
હાલમાં લોન્ગેસ્ટ નોન-સ્ટોપ પેસેન્જર ફ્લાઇટનો રેકોર્ડ સિંગાપોર ઍરલાઇન્સની સિંગાપોરથી ન્યુ યોર્કની ફ્લાઇટના નામે છે જે આશરે 18.5 કલાકમાં લગભગ 15,300 કિલોમીટરનું અંતર કાપે છે. ક્વોન્ટાસે લોન્ગેસ્ટ નોન-સ્ટોપ ફ્લાઈટને પ્રોજેક્ટ સનરાઇઝ નામ આપ્યું છે, કારણ કે આ ફ્લાઈટના પ્રવાસીઓ આ સફરમાં બે અદ્ભુત સૂર્યોદય જોશે.
લગભગ દિવસભરની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ક્વોન્ટાસ 12 નવાં ઍરબસ અ350-1000 ઍરક્રાફ્ટ રજૂ કરશે. વધુ લેગરૂમ માટે 300ની સામાન્ય બેઠક-ક્ષમતા ઘટાડીને 238 કરવામાં આવશે.
ઇકોનોમી અને પ્રીમિયમ કેબિન વચ્ચે એક સમર્પિત વેલનેસ ઝોન સ્થાપિત કરવામાં આવશે જે બધા મુસાફરો માટે સુલભ હશે. આ વિસ્તારમાં ઑન-સ્ક્રીન કસરત કાર્યક્રમો, સ્ટ્રેચ હેન્ડલ્સ અને હાઈડ્રેશન સ્ટેશન હશે.