Jamnagar,તા.23
જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા એક મોચી યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘેર આર્થિક સંકળામણના કારણે જિંદગીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગેશ્વર પાર્ક શેરી નંબર -૪ માં રહેતા પ્રવીણભાઈ વલ્લભભાઈ પરમાર નામના ૪૭ વર્ષના મોચી જ્ઞાતિના યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરુડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજનો એ તુરતજ ૧૦૮ ની ટુકડીને બોલાવી લીધી હતી. જે ટીમે આવીને તપાસતાં પ્રવીણ પરમારનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી હિતેશભાઈ દેવચંદભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી. સોઢા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ અનુભવતા હતા, અને તેની ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘરની ચિંતામાં પોતે આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તેમ જાહેર કરાયું હતું. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.