Mumbai,તા.30
ઑસ્ટ્રેલિયાથી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. મેલબર્નમાં પ્રેક્ટિસ દરમિયાન એક 17 વર્ષીય ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થઈ ગયુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી મૂક્યું છે.
મંગળવારે બપોરે બેન મેલબોર્નના ફર્નટ્રી ગલીમાં વેલી ટ્યૂ રિઝર્વ ગ્રાઉન્ડ પર નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. અહેવાલ પ્રમાણે તે સંપૂર્ણ સુરક્ષા સાથે હેલ્મેટ પહેરીને બોલિંગ મશીન સામે બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો, ત્યારે જ એક હાઈ સ્પીડ બોલ તેના માથા અને ગરદન વચ્ચે વાગ્યો. આ દુર્ઘટના બાદ તરત જ તેને ગંભીર હાલતમાં મોનાશ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોના તમામ પ્રયાસો છતાં બુધવારે તેણે દુનિયાને અલવિદા કહી દીધું.
બેનના ક્લબ ફર્નટ્રી ગલી ક્રિકેટ ક્લબ (Ferntree Gully Cricket Club)એ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નિવેદન જારી કરીને લખ્યું કે, ‘અમારા ઉભરતા સ્ટાર બેન ઑસ્ટિનના નિધનથી અમે ઊંડા શોકમાં છીએ. તેમની ખોટ અમારા સમગ્ર ક્રિકેટ પરિવાર પર પડશે. અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે.’
બેન માત્ર એક શાનદાર ક્રિકેટર જ નહીં પરંતુ એક લીડર અને ટીમ પ્લેયર તરીકે બધાનો ફેવરિટ હતો. તે મુલગ્રેવ અને એલ્ડન પાર્ક ક્રિકેટ ક્લબનો પણ સભ્ય રહી ચૂક્યો છે. બેન વેવર્લી પાર્ક હૉક્સ માટે જુનિયર ફૂટબોલ પણ રમ્યો હતો. ફર્નટ્રી ગલી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ આર્ની વોલ્ટર્સે પણ પોતાની લાગણીઓ શેર કરતા કહ્યું કે, ‘બેન એક પ્રતિભાશાળી અને અત્યંત લોકપ્રિય ખેલાડી હતો. તેના જેવા ક્રિકેટરો ખૂબ જ ઓછા મળે છે.’
આ દુર્ઘટના ક્રિકેટ ચાહકોને 2014માં થયેલી દુ:ખદ ઘટનાની યાદ અપાવી ગઈ, જ્યારે ઑસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યૂજને પણ એક મેચ દરમિયાન ગરદન પર બોલ વાગ્યો હતો. થોડા દિવસો પછી તેમનું પણ મૃત્યુ થઈ ગયુ હતું. હ્યૂજની ઘટના બાદથી જ ક્રિકેટમાં કનક્શન અને સુરક્ષા ગિયર અંગેના ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

