Jamnagar,તા.4
જામનગર શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતી તરૂણીને માતાએ ઘરકામ ન કરતા ઠપકો આપતા તરૂણીએ ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું છે. તરૂપીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે શહેરમાં હર્ષદમીલની વિસ્તારમાં આવેલ મહાવીરનગર, ગાયત્રી સ્કુલની બાજુમાં રહેતા સરદભાઇ દેવજીભાઇ મકવાણાની પુત્રી જાનવીબેન મકવાણા (ઉ.વ.15) ને તેણીની માતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતનું જાનવીબેનને મનમાં લાગી આવતાં તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.
બનાવ અંગે મૃત્તક તરૂણીના પિતા સરદભાઇએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થળ પર પહોંચી પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

