Jetpur. તા.26
જેતપુરના યુવા કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી રૂ.50 હજાર પડાવી લીધાંનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ હતી અને પોલીસે ગુનો નોંધી આરોપી મહિલા તેના પતિ સહિત પાંચ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. સાડી પ્રીન્ટીંગનું કારખાનું ચલાવતાં યુવાનને એક છોકરીને હોટેલની રૂમમાં લઈ જઈ તેની પાસેથી રોકડા રૂ.50 હજાર અને સોનાનું બ્રેસ્લેટ પડાવી શરીર સંબંધ બાંધેલ છે, જે અત્યારે પ્રેગ્નેન્ટ છે કહીં ફસાવ્યો હતો.
બનાવ અંગે જેતપુર રહેતાં 30 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવીન આંબલિયા (રહે. શ્રીજી સ્કૂલ પાસે, અમરનગર રોડ, જેતપુર), ઉદય પંડ્યા, કિશન રાદડીયા (અંકુર ટ્રેડિંગના માલિક માર્કેટીંગ યાર્ડ), રેશ્માબેન ધવલ વેકરીયા, ધવલ વેકરીયા (રહે. સરદાર ચોક જેતપુર) નું નામ આપતાં પોલીસે બીએનએસ એક્ટ 308(6), 61(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નવાગઢમાં સાડી પ્રીન્ટીંગનું કારખાનું ચલાવી વેપાર કરે છે. ગઈ તા. 20 ના સાંજના છએક વાગ્યે તેમને ભાવીન આંબલીયાનો ફોન આવેલ કે, મારી પાસે તારી એક મેટર આવેલ છે, જેથી તેમને પુછેલ કે મારી કંઈ મેટર ? આથી ભાવીને ફોનમાં જણાવેલ કે, મારા એક ઓળખીતા છે.
જેમાંથી મને વાત મળેલ છે કે, તું જેતપુરની તીર્થ હોટેલમાં ગઈ તા.01 ના સાંજના 5:20 વાગ્યા આસપાસ રેશ્માબેન નામ છોકરીને લઈ ગયેલ છો, જે છોકરી તારા વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ કરવા માંગે છે, જેથી તેને કહેલ કે, હું કોઈ છોકરી સાથે નહીં પરંતુ એકલો પણ ક્યારેય તીર્થ હોટેલમાં ગયેલ નથી અને હું કોઈ રેશ્માને ઓળખતો નથી. તમે તે છોકરીને કહો કે, ફરીયાદ કરી દે મારા વિરૂધ્ધ નહીતર હું ફરીયાદ કરી દઈશ.
જેથી ભાવીને કહેલ કે, ના ના ફરીયાદ નથી કરવાની મેં અત્યારે બધુ રોકાવી દીધું છે, હું તીર્થ હોટેલના સીસીટીવી ફૂટેજ તપાસ કરાવી લઉ છું, એટલે સાચી હકિકત ખબર પડી જશે. બાદમાં ભાવીનનો ફોન આવેલ અને જણાવેલ કે, તું તીર્થ હોટેલના સીસીટીવીમાં ચોખ્ખો દેખાય છે, તુ જ છો, આથી તેમને કહેલ કે, હું ક્યારેય તીર્થ હોટેલમાં આવેલ જ નથી.
બાદ તેઓએ કહેલ કે, આમાં તુ જ છો હવે હું છોકરીના પિતા સાથે વાતચીત કરીને તારી સાથે વાત કરૂ. બાદમાં એક મોબાઈલ નંબર પરથી ફોન આવેલ કે, હું ઉદયભાઈ પંડ્યા, તીર્થ હોટેલ વાળા બોલુ છું. મારી પાસેથી ભાવીન તારા સીસીટીવી ફુટેજ લઈ ગયેલ છે, તું તારી રીતે તારૂ જે કાઈ હોય તે તેમની સાથે સમજી લેજે મારે તને જાણ કરવી જરૂરી છે.
આથી તેઓને કહેલ કે, હું તમારી હોટેલમાં ક્યારેય આવેલ જ નથી તો મારા સીસીટીવી ક્યાંથી આવ્યા ? તો ઉદયએ કહ્યુ કે, તું સીસીટીવી ફુટેજમાં ચોખ્ખો દેખાઈ છે, એટલે તું ભાવીન સાથે સમજી લેજે. બાદ તેમણે ફોન કાપી નાખેલ હતો.
બાદમાં રાત્રીના ફરિયાદીએ ભાવીનને ફોન કર્યો કે, શું થયુ તમે મારી જે વાત કરતા હતા તેનું ? આથી તેમણે આશરે 50 મીનીટ જેટલી વાત કરેલ જેનું ફરિયાદીના મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરેલ છે. આ વાતચીત દરમ્યાન તેઓએ કહેલ કે, તું સીસીટીવી ફુટેજમાં ચોખ્ખો દેખાઈ છે અને છોકરી કહે છે કે, તું છોકરીને તીર્થ હોટેલની રૂમમાં લઈ જાય છે અને તેની પાસેથી રોકડા રૂ.50 હજાર તથા એક સોનાનું બ્રેસ્લેટ સાડા સાત ગ્રામનું લઈ લે છો તેમજ તે છોકરી સાથે શરીર સંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નેન્ટ છે.
જે વાત કરતાં ફરીયાદી ગભરાઈ ગયેલ તેને કહેલ કે ભાઈ હું આમા ક્યાંય નથી આ મેટર તું પતાવી નાંખ, ત્યારે ભાવીને કહેલ કે, હું વચ્ચે છુ, તું ડરમાં હું મેટર આખી પતાવી દઈશ, તેમજ કહેલ કે, તે છોકરી પાસેથી જે કાંઈ લીધુ છે તેનું પાછુ આપી દે, બાદમાં તેઓને ભાવીન સાથે તા.21 ના ફોનમાં વાતચીત થયેલ ત્યારે મારે ભાવીને રૂ.50 હજાર રોકડા તથા સાડા સાત ગ્રામ સોનાનું બ્રેસલેટ અથવા તેના પૈસા આપવાના જેથી આ મેટર પુરી નાંખશે તેમ કહ્યું હતું.
જે બાદ આ બાબતે તેમની અને ભાવીનભાઈ વચ્ચે બે-ત્રણ દીવસ સુધી સતત ફોન પર વાતચીત ચાલતી હતી અને પૈસા તથા સોનું ક્યાં આપવાનું તે અંગે નક્કી થયેલ કે, તા.25 ના સાંજે નવેક વાગ્યે જુનાગઢ રોડ માર્કેટીંગ યાર્ડમાં અંકુર ટ્રેડીંગ ખાતે આપવા જવાનું છે.
જેથી ફરીયાદીએ તે બાબતે તેમના કાકાને વાત કરેલ જેથી કાકાએ કહેલ કે, હું તારી સાથે આવીશ અને આપણે બન્ને જઈશું. બાદમાં રાત્રીના નવેક વાગ્યે ફરીયાદી તેના કાકા સાથે માર્કેટીંગ યાર્ડના અંકુર ટ્રેડીંગ પર ગયેલ જ્યાં ભાવીન આંબલીયા, અને અંકુર ટ્રેડીંગના માલીક કિશન રાદડીયા હાજર હતા, ત્યાં જઈ ભાવીનને કહેલ કે, અમે રૂ.50 હજાર લઈ આવેલ છીએ.
જેથી ભાવીને કહેલ કે, છોકરીવાળાને બોલાવવા પડશે, બાદ તેઓએ કોઈને ફોન કરીને બોલાવતા ત્યાં એક મહીલા તથા ત્રણ અજાણ્યા શખ્સો આવેલ, જેની ઓળખાણ ભાવીને આપેલ કે, આ મહીલા રેશમાબેન વેકરીયા છે અને તેઓ સરદાર ચોક પાસે રહે છે અને તેઓએ તમારા વીરૂધ્ધ ફરીયાદ પણ તૈયાર કરી લીધી છે, તેમ કહી રેશમાબેન પાસેથી એક કાગળ આપેલ જેમાં ફરીયાદી વિરૂધ્ધ દુષ્કર્મ તથા રૂપીયા અને સોનુ પડાવી લેવાની ફરીયાદ હતી.
બાદ ભાવીને કહેલ કે, આ ભાઈ રેશ્માબેનના ઘરવાળા ધવલભાઈ વેકરીયા છે. તેમજ ધવલભાઈ વેકરીયાની સાથે આવેલ અન્ય બે અજાણ્યા શખ્સોની ઓળખાણ આપેલ કે, આ ભાઈ દિવ્યેશભાઈ ઉસદડીયા અને બીજા ભાઈ ફેનીલ બાબરીયા છે, આ બન્ને મારા મીત્રો છે તેઓ માત્ર મારી સાથે આવેલ છે. બાદ ભાવીને રૂ.50 હજાર લઈ લીધેલ અને કહેલ કે, તમારી મેટર પુરી તમે હવે છુટા હાલો. જેથી તેમને કહેલ કે, મને મારા તીર્થ હોટેલના સીસીટીવી ફૂટેજ છે, તે બતાવો પરંતુ તેમણે કોઈ સીસીટીવી ફૂટેજ બતાવેલ નહી. બાદમાં તેઓ તેના કાકા સાથે ત્યાંથી નીકળી ગયેલ હતાં.
બાદમાં ફરિયાદીને જાણ થયેલ કે, ભાવીને તેમની પાસેથી ડરાવીને બળજબરીથી રૂપીયા કઢાવવા માટે ષડયંત્ર કરેલ છે. જેથી તેઓ પોલીસ મથકે જઈ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.