Jamnagar,તા.06
જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા અને ભોજનાલયના વ્યવસાય સાથે સંકળાયેલા મયુર હરીશભાઈ ગણાત્રા નામના 42 વર્ષના વેપારી યુવકે ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લીધી હતી. જો કે તેને ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, અને ત્યાં તેને બે વખત ઊલટી થઈ ગઈ હતી. ત્યારબાદ પરત ઘેર લઈ જવાયા હતા. પરંતુ આજે મોડી સાંજે તેના ઘરમાં લોહીની ઉલટી થઈ જતાં બેશુદ્ધ અવસ્થામાં જોવા મળ્યા હતાં, અને ફરીથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
જોકે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક ના ખિસ્સામાંથી એક ડાયરી મળી આવી છે. જેમાં કેટલાક નામના વ્યક્તિઓને ઉલ્લેખ કરીને પૈસાની આવક જવાબના હિસાબો પણ લખેલા છે. જે ડાયરી પોલીસ દ્વારા કબજે કરી લઈ સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાઈ રહી છે. મૃતક વેપારી યુવાને પોતે બીજાને આપેલા ઉછીના પૈસા પરત મળ્યા ન હોવાના કારણે આ પગલું ભરી લીધાનુ અનુમાન કરાયું છે. ઉપરાંત તેમાં એક પોલીસ કર્મચારીની પણ ભૂમિકા હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.

