Ahmedabad,તા.9
અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે બે લોકોના વીજકરંટ લાગવાની ઘટના સામે આવી હતી. નારોલ વિસ્તારમાં એક યુવક અને એક યુવતીના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતાં. ફાયરની ટીમની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી ખાતે બે લોકોના વીજકરંટના કારણે મોત નિપજ્યા હતા. હકીકતમાં આ વિસ્તારમાં વરસાદી પાણીમાં કરંટ હતો. આ દરમિયાન એક દ્વિચક્રી વાહન પાણીમાંથી પસાર થયું કે, તુરંત કરંટ લાગતા વાહન પર બેઠેલા યુવક અને યુવતી બંને નીચે પટકાયા હતા. પાણીમાં કરંટ વધુ હોવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોને ફાયર વિભાગને મદદ માટે બોલાવ્યું હતું. ત્યારબાદ મોડી રાત્રે ફાયર વિભાગે બંનેના મૃતદેહને કરંટવાળા પાણીમાંથી બહાર કાઢ્યા અને બાદમાં બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, દ્વિચક્રી વાહન જીજે-27 ડીડી 0314ના આધારે વાહન ચાલકની ઓળખ કરી તેમના પરિવારને આ વિશે જાણ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વરસાદ બંધ થઈ ગયા બાદ પણ વરસાદી પાણી રોડ પરથી ઓસર્યા નહતા અને આ પ્રકારે રોડ પરના વરસાદી પાણીના કરંટ કેવી રીતે આવ્યો તે વિશે તંત્ર સાવ અજાણ હતું.