Rajkot,તા.24
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના બની છે, જ્યાં એક યુવકે પોતાની પત્નીને ભગાડી જનાર વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી ન થતાં પોલીસ સ્ટેશનની અંદર જ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, પુરોહિત રાજુભાઈ રાઠોડ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં પહોંચીને પીવા માટે ફિનાઇલ કાઢ્યું હતું. તેણે આક્ષેપ કર્યો કે આલાપ ગ્રીન સિટી નજીક રહેતા ગોવિંદ ભરવાડ અને અન્ય બે વ્યક્તિઓ તેની પત્નીને ભગાડી ગયા છે, પરંતુ આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પોતાની ફરિયાદ દાખલ ન થતાં અને ન્યાય ન મળતા નિરાશ થઈને તેણે પોલીસ સ્ટેશનની અંદર જ ફિનાઇલ પી લીધું હતું. આ ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.યુવકના આ પગલાં બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.