Keshod,
કેશોદના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા છ બહેનના એકના એક ભાઈ નિલેશ દાફડાએ આપઘાત કરી લીધો છે. લગ્નના 2 મહિના બાદ પત્ની રિસામણે જતી રહી હતી, યુવતીના બીજા લગ્ન હતા જ્યારે યુવકના પહેલા લગ્ન હતા. 38 વર્ષીય મૃતક નિલેશે ઘરે એસીડ પીધા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તેણે સ્યુસાઈડ નોટમાં પત્ની, સસરા સહિતના સાસરિયા પક્ષના સભ્યોના નામ લખ્યા હતા. જેથી કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામના નિલેશ કરમણભાઈ દાફડા ઘરે હતો ત્યારે એસિડ પી જતા પ્રથમ સારવાર રઘુવંશી હોસ્પિટલ કેશોદ બાદ આયુષ હોસ્પિટલ જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેનું ચાલુ સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, નિલેશ 6 બહેન અને 1 ભાઈમાં ચોથા નંબરનો હતો. પરિવારને ખેતર જમીન હોય, તે ખેતી કામ કરતો હતો. તેમની બધી બહેનો સાસરે જતી રહી હોય, ઘરમાં નિલેશ અને તેના પિતા બે જ રહેતા હોય, પરિવારે નિલેશના લગ્ન કરવા નક્કી કરેલું. બાવા પીપરી ગામે રહેતી યુવતી સાથે નિલેશના લગ્ન નક્કી કર્યાં હતા. યુવતીના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. નિલેશ સાથે આ યુવતીના લગ્ન માર્ચ મહિનામાં થયા હતા. સ્યુસાઈડ નોટ મુજબ, 2 મહિના પછી આ પત્ની રિસામણે ચાલી ગઈ હતી. વડીલોએ વાતચીત કરી સમાધાન કરતા પરત પત્ની સાસરે આવી હતી. પછી 15 દિવસ બાદ પરત માવતર ચાલી ગઈ હતી. આ પછી સાસરિયા પક્ષના સભ્યો નિલેશને ધમકી આપતાં. સસરા સહિતનાએ 10 લાખની માંગણી કરી હતી. તે મુજબ સ્યુસાઈડ નોટ લખી નિલેશે એસીડ પી બાટવા રહેતી પિતાની બહેન સવિતાબેન જીતેન્દ્રભાઈ પરમારને મેસેજ કર્યો હતો. મેસેજ વાંચી બેને ભાઈને ફોન કર્યાં પણ ઉપાડ્યા નહીં. જેથી સવિતાબેને બીજી બીજી બહેન કેશોદ છે તેને ફોન કર્યો અને પોતાના પિતાને ફોન કર્યો. પિતા ઘરે હતા. તેણે જોયું નિલેશ કાગળિયામાં કંઈક લખતો હતો. સ્યુસાઈડ નોટ લખતો હતો. પછી પિતા પૂછવા ગયા શું કરેશ ત્યારે તે ઉલ્ટી કરવા લાગ્યો અને કહ્યું હતું કે મેં એસીડ પીધું છે. નિલેશને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવારમાં મોત નીપજતા રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી. યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. રક્ષાબંધન નો તહેવાર નજીક છે ત્યારે છ બહેનોએ પોતાનો રાખડી બંધો વીર ગુમાવતા ભારે આક્રંદ છવાયો હતો.