Morbi તા.24
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ વોલકેમ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સોનુભાઈ પ્રીતમસિંગ વિશ્વકર્મા (36) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની આગળની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનને વતનમાં રહેલ તેની પત્ની સાથે ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ યુવાને પોતે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે. મૃતક યુવાનને બે દીકરા અને એક દીકરી આમ કુલ ત્રણ સંતાન છે અને યુવાને આપઘાત કરી લેતા ત્રણ બાળકોએ તેના પિતાની છત્રછાયા ગુમાવી છે.મોરબીના રવાપર ગામે રહેતો ધ્રુવ કિશોરભાઈ ઠાકર (9) ને બાઇક સ્લીપ થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જયારે સનાળા રોડ ઉપર આવેલ હદાણીની વાડીમાં રહેતા સંજયભાઈ ભીમજીભાઈ કંઝારીયા (32) નામના યુવાનને બાઇક સ્લીપ થવાના લીધે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
આવી જ રીતે ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા વલ્લભભાઈ મગનભાઈ દેત્રોજા (49) નામના આધેડનું બાઈક સ્લીપ થવાના કારણે ઈજા પામેલ આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.