Morbi, તા.27
મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં સેગા સીરામીકની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો લખનભાઈ પ્રતાપભાઈ રાવત (22) નામનો યુવાન લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપર બેઠો હતો.
દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવની મૃતકના ભાઈ ભગીરથભાઈ પ્રતાપભાઈ રાવત રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

