પુત્રીની સગાઈ બાબતે પત્ની સાથે વારંવાર થતાં ઝગડાથી લાગી આવતા પગલું ભરી લીધું
Rajkot,
કુવાડવા જીઆઈડીસીમાં ગૃહકલેસથી વધું એક ઝીંદગી રોળાઈ હતી. મૂળ મહેસાણાના વતની અને ૧૨ વર્ષથી કુવાડવા જીઆઈડીસીમાં કામ કરતા યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પત્ની સાથે દીકરીની સગાઈ બાબતે થતાં અવારનવાર ઝઘડાથી કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ સામે આવતાં પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા જીઆઇડીસીમાં એસાર હાઈપર માર્ટની સામે રહેતાં સિદ્ધરાજસિંહ વાધુભા ઝાલા (ઉ.વ.૪૦) એ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં દોરડા વડે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમના પરિચીત ઘરે આવતાં યુવાનને ફાંસો ખાધેલ લટકેલ હાલતમાં જોતાં તુરંત ૧૦૮ ને જાણ કરતાં દોડી આવેલ ૧૦૮ ની ટીમે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ એમ.એમ.અજાગ્યા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધું તપાસ હાથ ધરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક સિદ્ધરાજસિંહ મૂળ મહેસાણાના રૂપપરા ગામના વતની છે અને તેમને સંતાનમાં એક પુત્રી-પુત્ર છે. તેઓ પત્ની સાથે છેલ્લા ૧૨ વર્ષથી કુવાડવા જીઆઇડીસીમાં રહી મજૂરીકામ કરતાં હતાં. તેમના સંતાન બનાસકાંઠાના આંકોલી ગામે રહેતાં સસરાના ઘરે અભ્યાસ કરે છે. બંન્ને પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી દીકરીની સગાઈ બાબતે ગૃહકલેસ ચાલતો હતો. દરમિયાન બે દિવસ પહેલાં જ મૃતકના પત્ની આંકોલી ગામ માવતરે ગયાં હતાં અને ગઈકાલે બંને વચ્ચે ફોનમાં દિકરીની સગાઈ બાબતે ફરી ઝઘડો થતાં તેનું માઠું લાગી આવતાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
બનાવ અંગે મૃતકના પત્ની અને પરિવારજનોને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં અને કાળો આક્રંદ મચાવ્યો હતો. પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.