કિચનવેરનો ધંધાર્થી રાજકોટથી કામ પૂર્ણ કરી પરત જતાં રસ્તામાં કાળ આંબી ગયો
Gondal,તા.07
ગોંડલમાં સુરેશ્વર ફાટક પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક જેતપુરના દેવકી ગલોલ ગામે રહેતા પટેલ યુવાનનું ગંભીર ઈજા થવા સબબ મોત થયું હતું. યુવાન કિચનવેર તથા પેપર ડીશ ઓનલાઈન ઓર્ડર પર વેચાણ કરવાનો વ્યવસાય કરતો હોય રાજકોટ કામ સબબ આવ્યા બાદ સામાન લઈ પરત ઘરે જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે યુવાનના કૌટુંબિક ભાઈની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થતાં પટેલ પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે રહેતો પ્રિન્સ વિઠ્ઠલભાઈ સતાસીયા (ઉ.વ ૨૨) નામનો યુવાન રાત્રિના બાઈક લઈને રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે રોડ પર ગોંડલ નજીક સુરેશ્વર ચોકડી પાસે પસાર થતો હતો ત્યારે ટ્રક નંબર જીજે-04-એક્સ-8323 ના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં તેને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આ ઘટનામાં જીવ ગુમાવનાર યુવાન પ્રિન્સ(ઉ.વ 22) પરિવારનો એકનો એક પુત્ર હતો.પટેલ યુવાન ઘરે પેપર ડીશ તેમજ કિચનવેર તથા કપડા વગેરેનો ઓનલાઈન ઓર્ડર લઇ વેચાણ કરવાનું કામ કરતો હતો. ગઈકાલે યુવાન બાઈક લઈને રાજકોટ કામ સબબ આવ્યો હતો. બાદમાં સામાન લઈ પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રાત્રિના દસેક વાગ્યા આસપાસ ફાટક પાસે ટ્રકચાલકે હડફેટે લેતા તેનું મોત થયું હતું.