Surendaranagar , તા.1
થાનગઢ તાલુકાના સોનગઢ ગામના 21 વર્ષીય પારસ ચિંતનભાઈ ગોંડલીયાએ બુધવારે મોડી સાંજે વગડીયા નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે કેટલાક યુવાનોએ પારસને મારવાની ધમકી આપી હતી. જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.
મૃતકના કાકા હિતેશભાઈએ જણાવ્યું હતું કે, તેમનો ભત્રીજો રાત્રે આઠ વાગ્યે કોઈને પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને વગડીયા પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે, વિંછીયાના બે યુવકોએ પારસને મારવાની ધમકી આપી હતી. પોલીસે થાનગઢમાં CCTV કેમેરાની તપાસ અને ફોન ડિટેઈલની ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

