Rajkot,તા.02
શહેરના મવડી ચોકડી નજીક આવેલ જસરાજનગરમાં રહેતા કડિયા કામ કરી ગુજરાન ચલાવતા પરિવારના એકના એક પરણીત પુત્રએ સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ લેતા વૃદ્ધ પિતા પર આભ તૂટી પડવા જેવી આફત આવી પડી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મવડી ચોકડી નજીક આવેલ જસરાજ નગર-૨માં રહેતા ચેતનભાઇ એસ મોરધરા (ઉ.વ.૪૦) એ ગઈકાલે સાંજે છ કલાકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોએ ૧૦૮ એમ્બયુલન્સ બોલાવતા ફરજ પરના તબીબી સ્ટાફે તપાસી મૃત જાહેર કર્યો હતો. મામલમાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ઠાકર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મૃતક ચેતનભાઇએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં મૃતકે લખ્યું હતું કે, પપ્પા મને માફ કરજો, મેં ઘણી ભૂલ કરી છે.. મારા બાળકોનું ધ્યાન રાખજો. મૃતક ચેતનભાઇ પરિવારનો એકનો એક કમાનાર પુત્ર હોય બે દીકરીઓના પિતાએ ભરેલા આ અંતિમ પગલાંથી વૃદ્ધ પિતા ભાંગી પડ્યા હતા. ચેતનભાઇના માતાનું મૃત્યુ થયા બાદ તેમના પિતા એકલવાયું જીવન જીવતા હતા. ચેતનભાઇ મોરધરાના આ પગલાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાતનાં અન્ય બનાવવામાં ગાંધીગ્રામ પોલીસ મથકની હદમાં આવેલ નિર્મલા કોન્વેન્ટ રોડ પાસે સાવન એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ વિશ્વકર્મા (ઉ.વ.૪૫)એ અગમ્ય કારણોસર પોતાના ઘેર ૩૦/૪ ના રોજ ૬/૫૫ કલાકે ગળાફાંસો ખાઈ લેતા હેડ કોસ્ટેબલ એમ એમ બારડે તપાસ હાથ ધરી છે.