Bhavnagar,તા.11
ગારિયાધાર પંથકના ચોમલ ગામે ભારે વરસાદના પગલે રસ્તા પર વહી રહેલા જોખમી પાણીએ એક યુવાનનો જીવ લીધો હતો. બાઈક પર જઈ રહેલો યુવક પાણીના વહેણમાં તણાઈ જતાં સ્થાનિક તરવૈયાઓની મહેનત છતાં તેની જિંદગી બચાવી શકાઈ ન હતી.
ગારિયાધાર શહેરમાં બપોરના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે આવી ચડેલી મેઘસવારીએ દોઢ કલાકમાં ધોધમાર સવા બે ઈંચ જેટલું પાણી વરસાવી દેતા નદી-નાળા છલકાયા હતા. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હતો. ચોમલ ગામે ધોધમાર વરસાદ શરૂ હતો. ત્યારે ચોમલ-રૂપાવટી રોડ પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર (ઉ.વ.આ.૨૦, રહે, ચોમલ) ભારે પાણીના વહેણમાં તણાયો હતો. જેની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પીએમ માટે ગારિયાધાર પીએચસીમાં ખસેડાયો હતો.