હોટેલમાં કામ કરતો નેપાળી યુવાન મિત્ર સાથે અકસ્માત જોવા જતાં માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરે ઠોકરે ચડાવતા મોત
Dhoraji,તા.02
ધોરાજી પાસે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર પનગઢ હોટલની સામે રાત્રિના થયેલ અકસ્માત જોવા માટે જઈ રહેલા નેપાળી યુવાનને ડમ્પરે હડફેટે લેતા ગંભીર ઇજા થતા યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે અહીં હોટલમાં યુવાનની સાથે કામ કરનાર નેપાળ યુવાનની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર પનગઢ હોટલની સામે રોડ પર ગઈકાલે બપોરના સમયે ત્રણેક વાગ્યા આસપાસ અહીં રોડ ક્રોસ કરી રહેલા ગોવિંદ થાપા નામના યુવાનને પુરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે હડફેટે લેતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ધોરાજી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવ અંગે મૂળ નેપાળના વતની અને હાલ પનઘટ હોટલમાં કેપ્ટન તરીકે નોકરી કરનાર દિપકસિંઘ રમેશસિંઘ સાઉદ(ઉ.વ 33) દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના તે તથા હોટલનો અન્ય સ્ટાફ અહીં હોટલ પર હતો. દરમિયાન રાત્રિના અહીં હાઇવે પર અકસ્માત થયો હોય અને ત્યાં ભીડ એકત્ર થઈ હોય જેથી તે તથા અહીં હોટલમાં કામ કરનાર તેનો મિત્ર ગોવિંદ બંને અહીં અકસ્માત સ્થળે જોવા માટે જતા હતા. રોડ ક્રોસ કરતી વેળાએ ગોવિંદને પૂરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે હેડફેટે લેતા તેનું મોત થયું હતું. ગોવિંદ પણ મૂળ નેપાળનો વતની હતો, છેલ્લા સાતેક માસથી અહીં હોટલમાં કામ કરતો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે દિપકસિંઘની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે પીળા કલરના ડમ્પરના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.