આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર, નિકુલ ઠાકોર અને પાર્થ બરોટની ધરપકડ કરી છે
Ahmedabad , તા.૧૨
ચાંદખેડામાં આવેલા હુડકો વાસમાં રહેતો ૨૦ વર્ષીય અજય ઠાકોર ગત તા.૮ના રોજ એક્ટિવા લઇને ઘરેથી નીકળ્યો હતો. ત્યારે પાડોશમાં રહેતા બળદેવ ઉર્ફે તાવડી ઠાકોરના પરિવારજનોએ તેની સાથે વાહન પૂરઝડપે ચલાવવા બાબતે તકરાર કરી હતી. બન્ને પક્ષના લોકો વચ્ચે થયેલો ઝઘડો શાંત થયા બાદ અજય તેના ઘરે ગયો હતો. જે બાદ તે મોડી રાત્રે ઘરેથી આંટો મારવા નીકળ્યો હતો. ત્યારે ગાડીમાં આવેલા બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, કાવ્ય ચૌહાણ અને પાર્થ બારોટ સહિતના લોકોએ રિક્ષા લઈને જઇ રહેલા અજય ઠાકોરનું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી માર માર્યો હતો. આરોપીઓએ અજયને માર મારીને તળાવમાં ફેંકી દીધો હતો. જે બાદ અજયના પરિવારજનોને જાણ થતાં તેને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી બળદેવ ઉર્ફે તાવડી ઠાકોર, નિકુલ ઠાકોર અને પાર્થ બરોટની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બળદેવ ઠાકોર દારૂનો ધંધો કરે છે અને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ નોંધાયા છે. બળદેવ ઠાકોર અને અજય ઠાકોર પાડોશીઓ છે અને તેમની વચ્ચે સામાન્ય બાબતે અવાર નવાર તકરાર થતી હતી. જ્યારે પકડાયેલ આરોપી પાર્થ બારોટ અગાઉ સાબરમતીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટના આરોપીનો ભાઈ છે. ચાંદખેડા પોલીસે આરોપી કાવ્ય ચૌહાણની શોધખોળ શરૂ કરી છે.