પાડોશી યુવકની સાથે બાઈક પર બેસીને યુવતી ગામડે જતી હતીઃ આરોપીની ધરપકડ
Ahmedabad, તા.૧૨
નિકોલમાં પરિવાર સાથે રહેતો યુવક તેની જ સોસાયટીમાં રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. ગત શનિવારે યુવતી તેની જ સોસાયટીમાં રહેતા અન્ય યુવકની બાઈક પર બેસીને ગામડે જવા નીકળી હતી. આ જોઇને યુવક તેની પાછળ ગયો હતો. રસ્તામાં આરોપી અને યુવક વચ્ચે કેમ પીછો કરે છે તે વાતને લઈને માથાકૂટ થતા આરોપીએ યુવકના છાતીના નીચેના ભાગે બાઈકની ચાવી જોરથી મારી દેતા યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. નિકોલમાં પરિવાર સાથે રહેતો યુવક તેના જ ફ્લેટમાં રહેતી સગાઇ થઇ ચૂકેલી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ થઈને ફરતો હતો. યુવતી જ્યાં પણ જાય ત્યારે યુવક તેનો પીછો કરતો હતો. આ વાતની જાણ ફ્લેટમાં રહેતા અન્ય યુવકને થઇ ગઈ હતી. ગત શનિવારે બપોરે યુવતી ફ્લેટમાં જ રહેતા હર્ષ પરમારની બાઈક પાછળ બેસીને ગામડે જવા માટે નીકળી હતી. આ વાતની જાણ ભાવેશને થતા શનિવારે બપોરે તેના પિતાને એક કામથી બહાર જઈને આવું છું તેમ કહીને ભાવેશ તેનું બાઈક લઈને યુવતીનો પીછો કરવા નીકળ્યો હતો. સોસાયટીથી થોડે આગળ ગેલેક્સી બંગ્લોઝ નજીક પહોંચતા ભાવેશ અને હર્ષ વચ્ચે ઝઘડો થયો હતો. શા માટે પીછો કરે છે તેમ કહીને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. ત્યારબાદ આરોપી હર્ષે બાઈકની ચાવી કાઢીને ભાવેશની છાતીના ભાગે મારી દેતા ભાવેશ લોહીલુહાણ હાલતમાં જમીન ફસડાઈ પડતા ટોળા એકઠા થઇ જતા યુવતી અને આરોપી હર્ષ બાઈક લઈને નાસી છૂટ્યા હતા. આ સમયે ટોળામાં એક મહિલાએ ભાવેશના પિતાને ફોન કરીને તાત્કાલિક સોસાયટીથી બહાર આવવાનું કહીને બોલાવ્યા હતા. ભાવેશના પિતા આવ્યા ત્યારે તેમનો દીકરો જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. વૃદ્ધ પિતાએ ભાવેશની માતા અને દીકરીને ફોન કરીને બનાવ અંગેની જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમયે ટોળામાંથી કોઈએ ૧૦૮ને ફોન કરીને બોલાવતા ઘાયલ ભાવેશને સિવિલ લઇ જવાયો હતો. પરંતુ ડોક્ટર સારવાર કરે તેની પહેલા જ ભાવેશનું મોત થયું હતું. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે હર્ષ પરમારની ધરપકડ કરી છે.