Vadodara,તા.૨૭
વડોદરામાં નવરાત્રિમાં માંની ભક્તિ અને આરાધના કરવાના બદલે યુવાનો મેદાન પર અશ્લીલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે, જેને લઈ મોટો વિવાદ થયો છે. યુવાનોના આ હરકતથી હવે ખુદ ધારાસભ્ય તેમને જાહેરમાં માર મારવો જોઈએ તેવું આહવાન કરી રહ્યા છે.
વડોદરાના યુનાઇટેડ વે ગરબાનો સતત બીજા દિવસે દંપતિનો અશ્લીલ વીડિયો થયો, સાથે જ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાનો પણ દંપતિનો વીડિયો વાયરલ થયો, જેને લઈ હિન્દુ સંગઠનો અને ભાજપ ધારાસભ્યમાં રોષ ફાટી નીકળ્યો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આવા યુવક યુવતીઓને હવે જાહેરમાં મારવા જોઈએ તેવું આહ્વાન કર્યું છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કે ગરબા આયોજનો આવી અશ્લીલ હરકત કરતાં યુવાનો સામે કોઈ કાર્યવાહી નથી કરતાં, યુનાઇટેડ વે ના ગરબા આયોજકો તો માત્ર રૂપિયા કમાવવાના આશય સાથે ગરબા કરે છે તેવો આક્ષેપ પણ ધારાસભ્યે કર્યો, તો વડોદરાના સિનિયર ધારાશાસ્ત્રી ભાવિન વ્યાસે આવા યુવાનોને મેથીપાક આપવો જોઈએ તેવું કહ્યું છે. મહત્વની વાત છે કે માં ની આરાધનાના પર્વને આવા યુગલો કલંકિત કરી રહ્યા છે, હિન્દુ સંસ્કૃતિને બદનામ કરી રહ્યા છે, લોકોની આસ્થાને ઠેસ પહોચાડી રહ્યા છે.
યુનાઈટેડ વે માં એનઆરઆઇ દંપતિનો વીડિયો વાયરલ થયા બાદ આજે વડોદરાના દુષ્કર્મના આરોપી વિલ્સન સોલંકીનો તેના પત્ની સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થયો, જેમાં વિલ્સન સોલંકી અને શ્વેતા સોલંકીએ ખુલાસો કર્યો કે તેમને કોઈ અશ્લીલ હરકત નથી કરી, બદનામ કરવાના ઇરાદે ખોટી રીતે વીડિયો વાયરલ કર્યો છે, તો શ્વેતા સોલંકીને કહ્યું કે તેમના લગ્ન જીવનને ડિસ્ટર્બ કરવા ખોટી રીતે વીડિયો વાયરલ કર્યો.
મહત્વની વાત છે કે નવરાત્રિમાં મેદાન પર માતાજીની ભક્તિ કરી ગરબે ઘૂમવાના બદલે યુવાનો સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા અશ્લીલ વીડિયો કે રીલ્સ બનાવવા પાછળ ઘેલા બન્યા છે, ત્યારે કોઈની આસ્થાને ઠેસ પહોંચાડી આવી રીલ્સ બનાવવી કેટલી યોગ્ય તે સવાલ માઈ ભક્તો ઉઠાવી રહ્યા છે.